Connect with us

Bhavnagar

ભાવનગરના ૩૦૧માં સ્‍થાપના દિનની ત્રિદિવસીય ભવ્‍ય ઉજવણી

Published

on

Three-day grand celebration of Bhavnagar's 301st foundation day

કુવાડિયા

તા. ૨૨, ૨૩, ૨૪ એપ્રિલ ભાવનગરના આંગણે વૈવિધ્‍યસભર રંગદર્શી કાર્યક્રમો સાથે થશે ભાવસભર ઉજવણી

કલા અને સાંસ્‍કૃતિક નગરી અને જેને ભાવસભર કહેવામાં આવે છે તેવા ભાવનગરના ૩૦૧માં સ્‍થાપના દિનની ઉજવણી ‘ભાવનગર કાર્નિવલ- ૨૦૨૩’ યોજાશે. ભાવનગરના આંગણે આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત કલાકારો તથા ભાવનગરનું નામ રોશન કરનાર કલા સંસ્‍થાઓ અને કલાકારોની પ્રસ્‍તુતિ તથા અન્‍ય કાર્યક્રમ, ઉજવણી સાથે આ કાર્નિવલને ઉજવવા માટે ભાવનગર જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી આપતા ભાવનગર જન્‍મોત્‍સવ સમિતિના સંયોજક ડો. ગીરીશભાઈ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, ૨૨, ૨૩ અને ૨૪ એપ્રિલ શનિ, રવિ અને સોમવારે ભાવનગર કાર્નિવલ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્‍યું છે આ ઉજવણીનો વિચાર બીજ જેમનો છે અને સમગ્ર આયોજન જેમના માર્ગદર્શન હેઠળ થતું આવ્‍યું છે તેવા આપણા ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી અને આ સમિતિ નિમિત્ત માત્ર છે. જયારે આ કાર્નિવલ સમગ્ર ભાવનગરવાસીઓનો છે. આ કાર્નિવલ પ્રજાવત્‍સલ- પ્રાતઃ સ્‍મરણીય મહારાજા કૃષ્‍ણકુમારસિંહજીને સ્‍મરણાંજલિરૂપે પણ કહી શકાય અને તેથી જ કાર્નિવલના પ્રથમ દિવસે ૨૨ એપ્રિલને શનિવારે રાજવી પરિવારના સમાધિ સ્‍થળ, મહારાજા ભાવસિંહજી અને મહારાજા કૃષ્‍ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ યોજાશે. આ જ દિવસે કલા કેન્‍દ્ર ભાવનગર યુનિવર્સિટી દ્વારા રાજવી પરિવારના સમાધિ સ્‍થળની દિવાલ પર ગરિમાપૂર્ણ વોલ પેઇન્‍ટિંગનો કાર્યક્રમ યોજાશે. સાંજે ૭ કલાકે દરબારી કોઠાર નજીક આવેલા અને ભાવનગર રાજય જેટલા જ પૌરાણિક એવા વૈજનાથ મહાદેવના સાનિધ્‍યમાં મહા આરતીનો કાર્યક્રમ યોજાશે. કાર્નિવલના મુખ્‍ય સ્‍થળ બોરતળાવ- કૈલાસ વાટિકાના મુખ્‍ય રંગમંચ પર સાંજે ૭.૩૦થી ભલા મોરી રામા ફેઈમ અરવિંદ વેગડા, દેવાંશી શાહ અને તેની ટીમનો ગીત સંગીતનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ પૂર્વે કાર્નિવલ -૨૦૨૩નુ વિધિવત્‌ ઉદ્‍ઘાટન મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં યોજાશે.

Three-day grand celebration of Bhavnagar's 301st foundation day

પ્રતિ વર્ષ જે રીતે લોકો આ જન્‍મોત્‍સવમાં જોડાતા હોય છે તે જ રીતે આ ઉજવણીમાં આ વર્ષે પણ સહભાગી થાય તેવી આશા સાથે અમે સહર્ષ આમંત્રણ પાઠવીએ છીએ તેમ જણાવી ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, આ ઉજવણીમાં રાજવી પરિવારના સભ્‍યો પણ આપણી સાથે જોડાવાના છે. ૨૩ એપ્રિલ રવિવારે સાંજે ૭.૩૦થી કૈલાસ વાટિકા ખાતે સુખ્‍યાત કલાકાર જીજ્ઞેશ કવિરાજ, ઉર્વશીબેન રાદડિયા, સુખદેવ ધામેલીયા અને સાથી કલાકારો લોક સાહિત્‍ય, લોક સંગીત અને હાસ્‍ય રસની રમઝટ બોલાવશે.

તા. ૨૪ને સોમવારે ભાવેણાનું નામ આંતરાષ્ટ્રીય સ્‍તરે રોશન કરનાર કલા સંસ્‍થાઓ કલાપથ,કલા દર્પણ ડાન્‍સ અકાદમી, કલા ક્ષેત્રની કૃતિઓ, સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓ દ્વારા ભવ્‍ય નૃત્‍ય નાટિકા સહિતની કૃતિઓ અને સંગીત ક્ષેત્રે જેમણે ઉંચાઈઓ હાંસલ કરી છે તેવા સ્‍વાતિ પાઠક, શ્‍યામલ મહેતા, શ્‍યામ મકવાણા, ભૂમિ મહેતા વગેરેના સ્‍વર અને ડો. નિરવ પંડ્‍યા,વિહિત પાઠક, શરદ પરમાર, શુભમ્‌ ભટ્ટી,પરિત પરમારની સાજ સંગત અને કલાપી પાઠકના સંકલનમાં હિન્‍દી ગુજરાતી ગીતોનો રસથાળ પ્રસ્‍તૃત થશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્‌ઘોષક મિતુલ રાવલ કરશે. આ ત્રણેય દિવસ બોરતળાવ- કૈલાસ વાટિકા ખાતે ભવ્‍ય રોશની, એલસીડી સ્‍ક્રીન પર તમામ કાર્યક્રમોની પ્રસ્‍તુતિ અને રાહત દરે ખાણી પીણીના સ્‍ટોલ પણ પ્રતિ વર્ષની પરંપરા મુજબ રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ મુખ્‍ય સંયોજક ડો. ગીરીશભાઈ વાઘાણી તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Advertisement
error: Content is protected !!