Business
1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, જાણો તમારા પર કેવી અસર પડશે?

આજે ઓક્ટોબર મહિનાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી નવેમ્બર મહિનો શરૂ થશે અને તેની સાથે ઘણા મોટા ફેરફારો થવાના છે. આ ફેરફારો ફક્ત તમારા ખિસ્સાને જ નહીં પરંતુ તમારી જીવનશૈલી પર પણ અસર કરશે. 1 નવેમ્બરથી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફારની સાથે વીમા દાવા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. આ સાથે રેલવેના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર થશે.
એલપીજીના ભાવ બદલાશે
દર મહિનાની પ્રથમ તારીખની જેમ, 1 નવેમ્બરે, પેટ્રોલિયમ કંપનીઓ એલપીસીના ભાવની સમીક્ષા કર્યા પછી નવા દરો નક્કી કરશે. જણાવી દઈએ કે પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે 14 કિલોના ઘરેલુ સિલિન્ડર અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1 ઓક્ટોબરે કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25.5 રૂપિયાનો વધારો કર્યો હતો.
સિલિન્ડરની ડિલિવરી માટે OTP જણાવવો પડશે
નવેમ્બર મહિનામાં બીજો મહત્વપૂર્ણ ફેરફાર પણ ગેસ સિલિન્ડર સાથે સંબંધિત છે. નવેમ્બર મહિનાથી ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી માટે વન ટાઇમ પાસવર્ડ અથવા ઓટીપીની જરૂર પડશે. સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. આ જણાવ્યા બાદ તેને સિસ્ટમ સાથે મેચ કરવામાં આવશે, ત્યારબાદ જ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે.
વીમાના દાવા લેવાના નિયમો બદલાશે
1 નવેમ્બરે IRDA પણ મોટા ફેરફારની જાહેરાત કરી શકે છે. વીમા કંપનીઓ માટે પહેલી નવેમ્બરથી KYC વિગતો પ્રદાન કરવી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. હાલમાં, બિન-જીવન વીમા પૉલિસી ખરીદતી વખતે KYC આપવી એ સ્વૈચ્છિક છે, તે નવેમ્બરથી ફરજિયાત બની જશે. આ પછી, જો વીમાના દાવા સમયે KYC દસ્તાવેજો પૂરા પાડવામાં ન આવે તો દાવો રદ થઈ શકે છે.
GST સંબંધિત નિયમોમાં આ ફેરફાર થશે
નવેમ્બર મહિનામાં GST સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે. હવે પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ GST રિટર્નમાં પાંચ-અંકનો HSN કોડ દાખલ કરવો પડશે. અગાઉ બે-અંકનો HSN કોડ નાખવો પડતો હતો. પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 1 એપ્રિલ, 2022થી ચાર-અંકનો કોડ અને પછી 1 ઓગસ્ટ, 2022થી છ અંકનો કોડ દાખલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો હતો.
વીજળી સબસિડી સંબંધિત નિયમો બદલાશે
નવેમ્બરથી દિલ્હીમાં વીજળી સબસિડી સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે. આ અંતર્ગત જે લોકોએ વીજળી સબસિડી માટે નોંધણી કરાવી નથી તેમને સબસિડીનો લાભ નહીં મળે. સબસિડી માટે નોંધણીની છેલ્લી તારીખ આજે એટલે કે 31 ઓક્ટોબર 2022 નક્કી કરવામાં આવી હતી.