Business
હવે 200 રૂપિયાને બદલે 500 રૂપિયા સુધી ઑફલાઇન પેમેન્ટ કરી શકાશે, RBIએ સર્ક્યુલર જારી કર્યો

લોકો હવે UPI Lite Wallet દ્વારા 500 રૂપિયા સુધીની ઑફલાઇન ચુકવણી કરી શકે છે, ભલે ઇન્ટરનેટ ન હોય અથવા નબળા સિગ્નલ હોય. આ માટે આરબીઆઈએ ગુરુવારે UPI લાઇટ વૉલેટ દ્વારા ઑફલાઇન ચુકવણીની મહત્તમ રકમ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દીધી છે. જો કે, કોઈપણ પેમેન્ટ પ્લેટફોર્મ પર આ સુવિધા દ્વારા વ્યવહાર કરી શકાય તેવી કુલ રકમ હજુ પણ રૂ. 2,000 સુધી મર્યાદિત છે.
ઑફલાઇન મોડ દ્વારા નાની રકમની ડિજિટલ ચૂકવણીની મર્યાદા વધારવા અંગેના પરિપત્રમાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે, “નાના મૂલ્યના વ્યવહારોને પ્રોત્સાહિત કરવા માટે, ઑફલાઇન ચુકવણી માટેની ઉપલી મર્યાદા વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે.” UPI Lite Wallet બેઝિક મોબાઈલ ફોન માલિકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. હાલમાં, આ પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા એક મહિનામાં એક કરોડથી વધુ વ્યવહારો થવા લાગ્યા છે.
NFC વ્યવહારો માટે PIN ચકાસણી જરૂરી નથી
UPI લાઇટનો ઉપયોગ વધારવા માટે, RBIએ ઓગસ્ટની શરૂઆતમાં NFC ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઑફલાઇન વ્યવહારોની સુવિધા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. NFC વ્યવહારો માટે PIN ચકાસણી જરૂરી નથી. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, આ સુવિધા માત્ર રિટેલ ડિજિટલ પેમેન્ટને જ નહીં પરંતુ ઝડપ પણ સુનિશ્ચિત કરશે.