Sihor
સિહોરના નવનાથ સહિતના ધર્મસ્થાનકોને સાંકળતા માર્ગો તદ્રન ખખડધજ હાલતમાં છે ક્યારે રીપેર કરવાના છો.? કોંગ્રેસનો વૈધિક સવાલ
પવાર
શહેરની શોભામાં આડખીલીરૂપ દયનીય માર્ગો પ્રત્યે તંત્રના મૌન સામે કોંગ્રેસની રજુઆત, શ્રાવણ માસ પૂર્વે તંત્રવાહકો માર્ગોનું જરૂરી સમારકામ હાથ ધરે તેવી કોંગ્રેસની પ્રબળ માંગ
દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના આગમનને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે તેમ છતાં નવનાથ સહિતના અનેક મંદિરોની નગરી સિહોરમાં આવેલા ધર્મસ્થાનકોની આસપાસના અનેક મહત્વના માર્ગો આજની તારીખે પણ તદ્રન ખખડધજ હાલતમાં હોય ભાવિકોમાં સત્તાતંત્ર પ્રત્યે ભારોભાર કોંગ્રેસમાં રોષની લાગણી જન્મી છે. છોટે કાશી તરીકે વિખ્યાત સિહોર શહેરમાં નવનાથ સહિત અનેક શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન ધર્મસ્થાનકો આવેલા છે. શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને દર શ્રાવણીયા સોમવારે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતભરમાંથી હજજારો યાત્રાળુઓ પરંપરાગત રીતે આ નવનાથના દર્શનાર્થે અચૂક આવે છે. એટલુ જ નહિ શ્રાવણ માસના દર સોમવારે પ્રગટેશ્વર મહાદેવના મંદિરે સાંજે તેમજ જન્માષ્ટમીના પર્વે ગૌતમેશ્વર મહાદેવના મંદિરે સવારથી સાંજ સુધી ભાતીગળ લોકમેળો ભરાય છે અને સવારથી સાંજ સુધીમાં હજારો ભાવીકો દાદાના દર્શન કરી લોકમેળો માણતા હોય છે. આ ઉપરાંત રક્ષાબંધનના પર્વે રામનાથ મહાદેવના સાનિધ્યમાં લોકમેળો ભરાય છે.
શીતળા સાતમના પર્વે બહેનો નવનાથના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ઉમટતી હોય છે. તેમજ દરરોજ આ શિવાલયોમાં મંગળા આરતી અને સાંજની આરતીમાં પણ શ્રધ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. તેમજ વર્ષ દરમિયાન દર શનિવાર , રવિવાર, જાહેર રજા તેમજ તહેવારો દરમિયાન સિહોરના ગૌતમેશ્વર મહાદેવ, સિહોરી માતાજી મંદિર સહિતના ધર્મસ્થાનકોમાં માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે. ત્યારે ગૌતમેશ્વર, રામનાથ, પ્રગટેશ્વર, બ્રહ્મકુંડ તેમજ નવનાથ સહિતના ધર્મસ્થાનકોને સાંકળતા રસ્તાઓની દુર્દશાથી સ્થાનિક અને બહારગામના યાત્રિકોને પારાવાર હેરાનગતિ ભોગવવાનો વખત આવે છે. સિહોરના બિસ્માર માર્ગો શહેરની શોભામાં આડખીલીરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તંત્રવાહકો શ્રાવણ માસ પૂર્વે ખખડધજ માર્ગની દશા સુધારવામાં આવે, રોડ પરના ખાડાઓ બુરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે.