Sihor
આવતા 24 કલાકમાં સિહોરનો પાણીનો પ્રશ્ન હલ થશે ; પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ નકુમનો હુંકાર
મિલન કુવાડિયા
- મહિપરીએજની પાણી લાઈન રાજપરા તરફ જાય છે તેમાંથી તાત્કાલિક જોડાણ લેવાયું, અહીંનું પાણી સીધું રાજીવનગરના ટાંકામાં હશે, વોર્ડ 1,2,3,4 વિસ્તારને અહીંથી પાણી મળશે, પાણી સપ્લાય બે ઝોનમાં ફેરવાયું, લોકોને રાહત થશે
- અહીંથી પાણી જોડાણ લેવાની મંજૂરી પ્રક્રિયા બાકી છે છતાં લોકોની મુશ્કેલીઓને જોઈ પાલિકા પ્રમુખે મોટું રિકસ લીધું, તેઓએ કહ્યું તંત્ર કે સરકારની મંજૂરી ન મળે તો પણ સિહોરની પ્રજા પાણી માટે તરસી છે, એમના માટે જે કરવું પડે તે કરીશ
સિહોર કે જ્યાં વર્ષોથી પાણીની સમસ્યા સર્જાય રહી છે અને જેનો આજદિન સુધી કોઈ યોગ્ય અને કાયમી ઉકેલ નથી આવ્યો ત્યારે હવે ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણીની સમસ્યા ઘેરી બની છે જોકે આજે સાંજે સિહોર માટે એક રાહત આપતા સમાચાર મળ્યા છે આવતા 24 કલાકમાં સિહોરનો પાણીનો પ્રશ્ન હલ થશે તેવો પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ નકુમનો હુંકાર કર્યો છે, આવતા 24 કલાકમાં સિહોર શહેરની પાણી વિતરણ વ્યવસ્થા અને સપ્લાય બે ઝોનમાં ફેરવાઈ જશે જેના કારણે લોકોને 2 થી 3 દિવસે રેગ્યુલર પાણી મળી રહે તેવું આયોજન થઈ રહ્યું છે જેની કામગીરી પણ પુરજોશમાં શરૂ છે, સિહોર શહેરના તમામ વિસ્તારોમાં વર્ષોથી પાણીની પારાયણ રહી છે, અગાઉના સમયમાં પાણીની સમસ્યા હતી આમ છતાં પાંચ દિવસે-ત્યારબાદ આઠ દિવસે અને બાદમાં દસ દિવસે પીવાના પાણીનું વિતરણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હતું છેલ્લા ત્રણ દિવસથી સિહોરની મહિલાઓ બેડા સાથે માર્ગો પર ઉતરી હતી અને પાણી આપો-પાણી આપો ની માંગ સાથે સુત્રોચ્ચાર કરી નગરપાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે.
જોકે આજે સાંજે સિહોર શહેરના લોકોને રાહત આપતા સમાચાર મળ્યા છે. આવતા 24 કલાકમાં સિહોરનો પાણીનો પ્રશ્ન હલ થવા જઈ રહ્યો છે સિહોરના ભાવનગર રોડ પર આવેલ બંધન પાર્ટી પ્લોટ પાસેથી મહિપરીએજની પાણી લાઈન રાજપરા તરફ જાય છે તેમાંથી તાત્કાલિક જોડાણ લઈ લેવાયું છે જેની કામગીરી હાલ રાઉન્ડ કલોક શરૂ છે અહીંનું પાણી સીધું વોર્ડ 3માં આવેલ રાજીવનગર વિસ્તારમાં આવેલ પાણીના ટાંકામાં જશે, જે પાણી વોર્ડ 1,2,3,4 વિસ્તારને અહીંથી મળશે સિહોરનું પાણી સપ્લાય બે ઝોનમાં ફેરવાયું છે, જોકે અહીંથી પસાર થતી મહીં પરીએજનું જોડાણ લેવાની મંજૂરી પ્રક્રિયા બાકી છે છતાં લોકોની મુશ્કેલીઓને જોઈ પાલિકા પ્રમુખે મોટું રિકસ લીધું, તેઓએ કહ્યું તંત્ર કે સરકારની મંજૂરી ન મળે તો પણ સિહોરની પ્રજા પાણી માટે તરસી છે, એમના માટે જે કરવું પડે તે કરીશ તેવો હુંકાર પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સિહોરના પાણી પ્રશ્ને વિક્રમભાઈ નકુમ છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગરમાં વિવિધ વિભાગોમાં ભાજપના પ્રદેશ નેતા ધવલ દવેને સાથે રજુઆત કરી હતી અને જેનું આ મહત્વનું પરિણામ સિહોરને મળ્યું છે