Bhavnagar
જીવનના પાઠ અહીંથી શીખ્યો તેનું ગૌરવ છે ; માતૃ સંસ્થાનો કાયમ ઋણી છું – મિલન કુવાડિયા

મિલન કુવાડિયા
બાળપણમાં વિતાવેલી સૌથી પ્રિય પળો શાળા સ્કૂલોમાં જ હોય છે. શાળા એટલે માણસ માટે બીજું ઘર, મારી શાળાનું નામ જ એલ ડી મુની હાઈસ્કૂલ, આજે પણ આ નામ લેતા જ આંખોમાં ચમક આવી જાય અને દિલ ઝુમી ઊઠે છે, હાઈસ્કૂલ તરફથી મળેલા લવિંગ સર્ટિફિકેટને તો ઘણાં વર્ષો થઈ ગયા પરંતુ આજે પણ હ્રદયની અંદર મારી સ્કૂલ ધબકે છે . એનું કારણ જ આ શાળાનું ઘડતર છે . જેનો પાયો એલ ડી મુનીમાં નખાયો હોય તેનું ચણતર ક્યાંય કાચું ના રહે ! વ્યક્તિ વ્યક્તિ થાય અને સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવે તેવું ઘડતર કરતું કારખાનું એટલે એલડીમુની સ્કૂલ કારણ કે અહીં સંવેદના , શિક્ષણ , કેળવણી ઘડતર અને સંસ્કાર જન્મ લે છે અહીં ૧૦૦ વર્ષ પૂર્ણ કરીને શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે છે એજ્યુકેશન સોસાયટી શિક્ષણિક સંસ્થા છેલ્લા ૧૦૦ વર્ષથી શિક્ષણની જ્યોતને જલાવી રહી છે. કોઇપણ રાષ્ટ્ર કે રાજ્યનો વિકાસ શિક્ષણ વિના શકય નથી. આજના હરિફાઇ સ્પર્ધાના યુગમાં હરેક ક્ષેત્રે શિક્ષણની આવશ્યકતા છે ત્યારે યુવાશકિત શિક્ષણ દ્વારા સ્વાવલંબનથી સમાજ રાષ્ટ્ર રાજ્યના સર્વગ્રાહી ઉત્કર્ષમાં સહભાગી બને તે સમયની માંગ છે.
અને તેવું જ કામ છેલ્લા ૧૦૦ વર્ષથી આ સંસ્થાએ કરી સરસ્વતીની સરવાણી વહેતી કરી છે. આ સંસ્થાએ અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આપ્યા છે. આ લખનાર સહિત અહીં અભ્યાસ કરનાર દરેક જ્ઞાતિનો વિદ્યાર્થી આજે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. જેનો શ્રેય અહીંના સંચાલક અને શિક્ષકોને જાય છે. અહીંના શિક્ષકોએ શિક્ષાનું દાન કરીને અનેકનું જીવન પ્રકાશિત કર્યુ છે. જ્યાં શિક્ષણ છે ત્યાં સમસ્યા નથી. અણસમજને કારણે જ સમસ્યાઓ છે. બાળકના ત્રણ ગુરુ હોય છે માતા-પિતા અને શિક્ષક, તે વાત અહીં પાયા માંથી શીખવાય છે, શિક્ષકો એ રાષ્ટ્રની ઓળખને પ્રસ્થાપિત કરે છે. આજે અહીં સંસ્થામાં અભ્યાસ કરનાર મારા સહિત અનેક વિધાર્થીઓ જીવનમાં જે મુકામ પર પહોંચ્યા છે તેમાં આ સંસ્થાનો સવિશેષ ફાળો રહ્યો છે. મને ગૌરવ છે કે હું એલડીમુની હાઈસ્કૂલનો વિધાર્થી છું. શતાબ્દી મહોત્સવ ઉજવાય છે ત્યારે આજના દિવસે કહેવું છે કે મેં પણ અહીં ધો ૮ થી ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. અહીં સંસ્થામાં વર્ષોથી વિધાર્થીઓને એક સારા માણસ બનાવવાની પ્રક્રિયા ચાલી આવે છે. જીવનના પાઠ અહીંથી શિખ્યાનું ખૂબ ગૌરવ છે. અભ્યાસના વર્ષો વીત્યા પછી પણ સંસ્થા પ્રત્યે ગૌરવની લાગણી અનુભવાય છે, આજે પણ શાળાની એ દિવાલો, એ દરવાજાઓ, એ ઓરડા, એ સંમેલન, એ મેદાન, એ પાણીની ઓરડી, એ પુસ્તકાલય , એ અધ્યાપન મંદિર , તેના તમામ વિધાર્થીઓને મૂક આશીષ આપી રહ્યા છે .ત્યારે આજના સો વર્ષની ઉજવણીના પ્રસંગે સૌ ગુરુજનોના ચરણોમાં વંદન. સંસ્થાના સંચાલકો વહીવટ કર્તાઓનો પણ ખાસ આભાર, મારી માતૃ સંસ્થાનો કાયમ ને ઋણી છું અને રહીશ.