Palitana
જાણો શું છે શત્રુંજય તીર્થની છ ગાઉની યાત્રાનું મહાત્મ્ય
પવાર
ગઈકાલ તા.5મીના ફાગણ સુદ તેરસ હતી. આ દિવસે પાલીતાણામાં છ ગાઉની જાત્રા થાય છે. તેનું ધાર્મિક મહત્વ અને ઈતિહાસ નીચે મુજબ છે. ફાગણ સુદ તેરસએ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો તેરમો દિવસ છે. જયારે શક સવંત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો તેરમો દિવસ છે. આ દિવસ જૈનો માટે ખુબ મહત્વનો દિવસ છે. પાલીતાણા શેત્રુંજય તીર્થની આ યાત્રાને છ ગાઉની યાત્રા કહેવામાં આવે છે. પાલીતાણા શેત્રુંજયની છ ગાઉની જાત્રા વર્ષમાં એક જ દિવસ ફાગણ સુદ તેરસના દિવસે થાય છે.
આ દિવસે જૈન શાસ્ત્ર મુજબ આઠ કરોડ જૈન મુનીઓ શેત્રુંજય મહાતીર્થ પર મોક્ષ પામ્યા હતા. તેથી આ જાત્રાનું મહત્વ વિશેષ ગણાય છે. આ યાત્રામાં માત્ર જૈનો જ નહીં જૈનેતર પણ ખૂબ શ્રધ્ધાથી જોડાય છે. આ યાત્રા માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ અનેક યાત્રાળુઓ યાત્રા કરવા માટે આવે છે. અને ખરા ધોમ ધખતા તાપમાં અને તે પણ ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે. ફાગણ સુદ તેરસના દિવસે જૈન ધર્મમાં આસ્થા ધરાવતા તમામ લોકો અનેરા ઉલ્લાસ સાથે યાત્રા માટે ઉમટી પડે છે.
અને પોતાનાં કર્મોની નર્જિરા કરે છે. આ દિવસે પુણ્યનું ભાથુ બાંધે છે. લોકો આ દિવસને ઢેબરા તેરસ તરીકે પણ જાણે છે. છ ગાઉની જાત્રાનો મહિમા જોઈએ તો જૈન શાસ્ત્રો અનુસાર આ તીર્થને સદાય શાશ્ર્વત તીર્થ માનવામાં આવ્યું છે. આ તીર્થનો મહિમા અપાર રહ્યો છે. વર્તમાન ચોવીસીમાં 23માં તીર્થકરોએ અહીં પદાર્પણ કરેલ છે. જૈન તીર્થકર કે આદિનાથ દાદાના પુનિત સંસ્મરણોએ આ ભુમિને પવિત્ર બનાવી દીધી હતી. આદિનાથ ભગવાન અહીં નિયમીત પદાર્પણ કરતા અને ડુંગર પરના રાયણ વૃક્ષની નીચે તપ-આરાધના કરતાં તેઓ અત્રે પૂવ; નવ્વાણું વખત પધાર્યા હતા. એટલે આજે પણ નવ્વાણું યાત્રાનો મહિમા છે.
પવિત્ર શેત્રુંજયની જાત્રા દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ કરે છે.
તેમાં કાર્તિકી પૂર્ણિમા, જ્ઞાન પંચમી, ફાગણ સુદ તેરસની છ ગાઉની જાત્રા ખૂબજ જાણીતી છે. જૈન માન્યતા અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના પુત્ર શામ્બ અને પ્રદ્યુમન અસંખ્ય સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા. આથી જૈનો હજારો લાખોની સંખ્યામાં આ દિવસે ભાડવાને ભેંટવા ઉમટી પડે છે. અને તપ આરાધના કરી પોતાના કર્મોની નિર્ઝરા કરે છે. છ ગાઉની જાત્રામાં યાત્રાળુઓ મુખ્ય માર્ગ તળેટીથી શરૂ કરી, ત્યારબાદ બાબુનું દેરાસર, જલ મંદિર, રત્નમંદિર, સમવસરણ થઈ દાદાના દરબારમાં દર્શન કરીને રામપોલમાંથી બહાર નીકળીને છ ગાઉની જાત્રા શરૂ કરે છે. આ જાત્રામાં સૌ પ્રથમ દેવકીના છ પુત્રોના મંદિર છે, ત્યારબાદ ઉલ્કાજલ, અજિતનાથ, શાંતિનાથની દેરીઓ, ચંદન તલાવડી, રત્ન પ્રતિમા, સિધ્ધશિલા, ભાડવા ડુંગર અને છેલ્લે સિધ્ધ વડ આવે છે અને યાત્રા પૂર્ણ થાય છે.