Gujarat
વસુધૈવ કુટુંબકમ’નો વિચાર અંગદાન સંબંધિત કલંકને હટાવશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ
કુવાડીયા
- ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 817 લોકોને અંગદાનની મદદથી નવજીવન મળ્યું છે
અંગદાન વિશે વધુ જરૂરિયાત પર ભાર મુકતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે “વસુધૈવ કુટુંબકમ” એટલે કે આખું વિશ્વ એક પરિવાર છેની ભારતીય ફિલસૂફી મૃતક અને બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારને આવા સભ્યના અંગોનું દાન કરવા જેવા ઉમદા હેતુ માટે પ્રેરણા આપશે, તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે અને અંગદાન સંબંધિત કલંકને હટાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જેમ આપણા વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હમેશા વસુધૈવ કુટુમ્બકમના વિચાર પર ભાર મુકે છે, તેમ જ આખા વિશ્વને એક કુટુંબ અને કુટુંબને આપણું પોતાનું માનવું યોગ્ય છે.પોતાની પ્રિય વ્યક્તિને ગુમાવી દેવા જેવા કપરા સમયમાં આવા નિર્ણયો લેવા મુશ્કેલ છે, પણ આ જ સમજ અંગદાન જેવા મહત્વપૂર્ણ નિર્ણય લેવા સરળ બનાવે છે. અને એટલે જ એના માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ગુજરાતમાંથી 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઈન ડેડ વ્યક્તિઓના પરિવારોએ અંગદાનનો નિર્ણય લીધો હતો.
જેના કારણે રાજ્યમાં કુલ 817 લોકોને નવજીવન મળ્યું છે. રવિવારે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત હયાત રીજન્સી ખાતે આયોજિત અંગદાન મહોત્સવ કાર્યક્રમમાં તબીબી ક્ષેત્રના અગ્રણીઓ, ડોકટરો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, કોર્પોરેટ જગતના અગ્રણીઓ અને મીડિયા હાઉસના વરિષ્ઠ પત્રકારો હાજર રહ્યા હતા. ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે અંગોનું દાન એ પણ એક પ્રકારે જીવન દાન જ છે. આજે મેડીકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે. પરંતુ આ પ્રવૃત્તિને તબીબી પ્રવૃત્તિઓની મુખ્યધારા સાથે જોડવા માટે આ અંગે વધુ જાગૃતિ લાવવી પણ જરૂરી છે અને પરિવારોને આ અંગે સમાજ આપવી પણ જરૂરી છે. સુરત, અમદાવાદ, રાજકોટ, ભુજ જેવા સ્થળોથી આવેલા આવા દસ દાતા પરિવારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે અથાક મહેનત કરતી બિન-સરકારી સંસ્થાઓ, સરકારી વિભાગો, પોલીસ અને ડોકટરોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.