Gujarat
બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકાના જગત મંદિરની ધ્વજા ખંડિત થઇ
કુવાડિયા
બિપોરજોય વાવાઝોડાના કારણે તેજ પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે હિન્દુઓના યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની શિખર પર ફરકાવવામાં આવેલી ધ્વજા પણ ખંડિત થઇ હતી. બે ધ્વજા પૈકીની એક ધ્વજા ખંડિત થઇ ગઇ હતી જેના પગલે ભકતોમાં અનેકવિધ તર્ક-વિતર્ક થવા લાગ્યા હતા. શહેરની દુકાનો પણ બંધ થઇ હતી. ભાવિકોની લાગણી એવી છે કે ખંડિત ધ્વજા તાત્કાલીક બદલવામાં આવે કારણ કે આ ધ્વજા ફકત કાપડ નથી પરંતુ કરોડો ભકતોની આસ્થાનું પ્રતિક છે.
વાવાઝોડાની અસર હેઠળ દ્વારકામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝંઝાવાતી પવન ફુંકાઇ રહ્યો છે અને તેના કારણે ધ્વજા ચડાવવાનું મુશ્કેલ બની ગયું છે. તેવા સમયે ધ્વજા ખંડિત થતા ભાવિકોમાં કચવાટ સાથે અનેકવિધ ચર્ચા થવા લાગી હતી. ધ્વજાજીને અત્યંત શુભ ગણવામાં આવે છે અને તે ખંડિત થવાની બાબતે જુદા જુદા અભિપ્રાયો વ્યકત થવા લાગ્યા હતા.