Bhavnagar
શાળામાં બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો અને શિક્ષણની ગુણવત્તામાં વધારો થયો છે ; ભાનુબેન બાબરીયા
પવાર
ભાવનગરની શ્રી ગૌરીશંકર પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવતાં પ્રભારી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
સમગ્ર રાજ્યભરમાં બે દિવસીય શાળા પ્રવશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેના બીજા દિવસે ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌરીશંકર પ્રાથમિક શાળા, શાળા નં.૬૫ માં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી તેમજ ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાનાં હસ્તે બાલવાટિકા અને ધો.૧ ના વિદ્યાર્થીઓનું શાળામાં નામાંકન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા બોરતળાવ શાળા નં.૬૫ શ્રી ગૌરીશંકર પ્રાથમિક શાળામાં બાલવાટિકાના ૭૧ અને ધોરણ – ૧ માં ૧૧ બાળકો મળી કુલ ૮૨ બાળકને કુમકુમ તિલક કરીને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં પ્રારંભિક શિક્ષણને વેગ આપવા માટે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો મુખ્ય આશય શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય તેવો હતો. આ યજ્ઞને આ ચાલુ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ‘‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય’’ની થીમ સાથે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાનશ્રીની દુરંદેશીનું અભૂતપૂર્વ પરિણામ છે.
નવી શિક્ષણ નીતિને પગલે બદલાયેલી સ્થિતિમાં બાલવાટિકામાં પ્રવેશ પામતા ભૂલકાઓને પણ આ વર્ષે શાળા પ્રવેશોત્સવનો લાભ મળી રહ્યો છે, ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. સાથે સાથે શિક્ષણની ગુણવત્તા પણ વધી છે, જે સૌના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. શિક્ષણ થકી જ દેશ પ્રગતિ માર્ગે તેજ ગતિથી આગળ વધી શકે છે. દીકરા-દીકરીને સમાન ધોરણે શિક્ષણ મળવુ જોઈએ. કન્યા કેળવણી મહોત્સવ ઉપર પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ કહ્યું કે, દીકરીનું ૧૦૦ ટકા ભણતર થવુ જોઈએ. દીકરી ભણેલી હોય તો બે કુળને તારે છે. દીકરી શિક્ષિત હશે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે.