Sihor
દર અમાસની પૂર્વ સંધ્યાએ સિહોરના બ્રહ્મકુંડ ખાતે થતી દિપમાળા દર્શનનો લ્હાવો અનેરો છે.
વિશેષ પરેશ દૂધરેજિયા
- અહીં અનેરી શાંતિનો અહેસાસ, દિપમાળાનો મહિમા અલોકીક, ભવ્ય અને દિવ્ય, દર અમાસે દર્શન લાભ લેવા અનુરોધ છે
ઇતિહાસના અનેક પન્નાઓ પર સિંહપુર એટલે સિહોરનો ઉલ્લેખ વંચાય છે. પ્રાચીન અને ઐતિહાસિક નગરીનું સૌથી વિશેષ નજરાણું હોય તો તે છે શહેરની દક્ષિણમાં આવેલું બ્રહ્મકુંડ છે. સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસ સાથે જોડાયેલું બ્રહ્મકુંડ ફરીથી પોતાની ઓળખ જગાવે તે માટે છેલ્લાં સાત વર્ષથી સિહોરના જાગૃત નાગરિકો દ્વારા દર મહિનાની અમાસની સંધ્યાએ અહી ભવ્ય અને દિવ્ય દીપમાળાનું આયોજન થાય છે, જેમાં ખાસ કરીને અનિલભાઈ મહેતા અને ભરતભાઈ મલુકા સહિત અનેક વડીલો અને યુવાનો આ કાર્યમાં નિસ્વાર્થભાવે સેવા કરી રહ્યાં છે.
દર અમાસે સિહોર સહિત આસપાસ અને અન્ય શહેરોમાં વસેલા સિહોરવાસીઓ આ દીપમાળામાં આવતાં હોય છે, દીપમાળા બાદ પ્રસાદ સાથે સિહોરનો અવિરત વિકાસ અને સંરક્ષણના વિચારોથી સૌ એકઠા થાય છે, સતત સાત વર્ષથી ચાલતો આ કાર્યક્રમ અને તેનું આયોજન ખરેખર મુશ્કેલ હોવા છતાં અનેક મુશ્કેલીઓ અને વિઘ્નો વચ્ચે અવિરત ચાલી રહ્યું છે, અને આશા છે કે હંમેશા ચાલતું રહે.
શંખનાદ ન્યુઝ સિહોરની ઐતિહાસિક ધરોહર અને તેની જાળવણી માટે થતાં દરેક કાર્યોને હંમેશાથી સત્કારતું રહ્યું છે, ‘બ્રહ્મકુંડ’ ગુજરાત સરકારના ‘સંરક્ષિત સ્મારક’ હેઠળ આવતું હોય, પણ અહીની ખરી સાંભળ અને ખરું સંરક્ષણ માત્ર સિહોરનાં અમુક વડીલો અને યુવાનો જ કરી રહ્યાં છે, અને માટે જ સરકારશ્રીનાં વિશેષ ધ્યાનની આશા સાથે સિહોરવાસીઓ પણ અહી દર અમાસની સંધ્યાએ આવે અને દીપમાળાનો લાભ લે તેવી વિનંતી છે.