Gujarat
અઢી મહિનામાં જ આખો પરિવાર બરબાદ થયો ; સુરતમાં માતા-પિતા સહિત ચારના સામૂહિક આપઘાતમાં બચી ગયેલાં ભાઈ-બહેનનો વતન સિહોરમાં આવીને ઝેરી દવા પી આપઘાત
પવાર
સુરતમાં અઢી મહિના પહેલાં એક પરિવારના ચાર સભ્યએ સામૂહિક આપઘાત કરી મોતને વહાલું કરી લીધું હતા. આ આપઘાતમાં પરિવારનાં ભાઈ અને બહેન બચી ગયાં હતાં. હવે આ બંનેએ પણ વતન સિહોરના પાડાપણ ગામે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, જેથી આખા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સિહોરના પાડાપાણ ગામે 8 દિવસ પહેલાં જ સુરતથી તેનાં બા તથા કાકા સાથે ગામડે રહેવા બે સગાં ભાઇ-બહેન આવ્યાં હતાં. તેના ઘરે ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં સિહોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે અઢી માસ પહેલાં જ તેનાં માતા-પિતા તેમજ ભાઈ-બહેને આપઘાત કરી લીધો હતો. આ આઘાત સહન કરી ન શકતાં બન્ને ભાઇ-બહેને પણ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. મૂળ સિહોરના પાડાપાણ ગામે રહેતા અને સુરત ખાતે સ્થાયી થયેલા વિનુભાઇ મોરડિયા તેનાં પત્ની શારદાબેન તેમજ પુત્રી સૈનિતા (ઉં.વ.19) અને પુત્ર ક્રિશ (ઉં.વ. 17) ચારેય સભ્યએ 8 જૂને સુરતમાં તેના ઘરેથી થોડે દૂર જઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ચાર સંતાનના પિતા વિનુભાઇએ આત્મહત્યાનું પગલું ભરી લીધું, ત્યારે તેનાં અન્ય બે સંતાનો ઋષિતા વિનુભાઇ મોરડિયા અને પાર્થ મોરડિયા ઘરે હાજર ન હોય, જેથી તેઓ બન્ને બચી ગયા હતા. બન્ને ભાઇ-બહેનને આ આઘાત સહન ન થતાં અને અવારનવાર તેનાં માતા-પિતા તેમજ ભાઈ-બહેનનાં મોત થવાથી તેમને પણ જીવનમાં કંઇ રસ ન હોય એવું પરિવારને જણાવતાં હતાં. ત્યારે હજુ 8 દિવસ પહેલાં જ સુરતથી સિહોરના પાડાપાણ ખાતે દાદી તથા કાકા સાથે રહેવા આવ્યાં હતાં અને ગઇકાલે બપોરના 3 વાગ્યાના સુમારે ઋષિતા મોરડિયા (ઉં.વ.26) અને પાર્થ મોરડિયા (ઉં.વ.21)એ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આમ, માતા-પિતા તેમજ ભાઈ-બહેનનાં મોત નીપજતાં તેમને પણ આ દુનિયામાં રહેવું ન હોય, જેથી પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.