Bhavnagar
રાત્રે 12ના ટકોરે ઉગશે દિવસ : ન્યુ યરને વેલકમ કરવા જશ્નમાં ડૂબશે ગુજરાત

બરફવાળા
ઠેર-ઠેર ખાણીપીણીની પાર્ટીના આયોજન : હોટેલ-રેસ્ટોરન્ટમાં ઉભરાશે કીડીયારું: જાહેર રસ્તાઓ પર કેક કાપી-ફટાકડા ફોડી નવા વર્ષનું કરાશે ગ્રાન્ડ વેલકમ : ફાર્મહાઉસ વાડીમાં જમણવારની જયાફત, ક્યાંક-ક્યાંક છાંટોપાણીની વ્યવસ્થા કરાઈ હોય પોલીસના ડર વચ્ચે મંડાશે મહેફિલ : અનેક સોસાયટીમાં ડાન્સ વિથ ડીનરના પ્રોગ્રામ : કેટલીક જગ્યાઓ પર ડી.જે.ના તાલે ઝૂમશે યુવાધન
ખાટ્ટીમીઠ્ઠી યાદો વચ્ચે 2022નું વર્ષ થોડા કલાકોમાં જ પૂર્ણ થઈ જવાનું છે અને નવી આશાઓ-અરમાનો લઈને 2023નું વર્ષ રંગેચંગે આવી રહ્યું છે ત્યારે વીતેલા વર્ષની વિદાય-નવા વર્ષને વેલકમ કરવા માટે સિહોર સાથે જિલ્લામાં અત્યારે રીતસરના ‘ક્રેઝી’ બની ગયા છે. એકંદરે આજે રાત્રે 12 વાગ્યાના ટકોરે શહેરમાં દિવસ ઉગ્યા જેવો માહોલ જામવાનો છે અને 12:00 વાગ્યાથી લોકો નવા વર્ષની ઉજવણીના જશ્નમાં મગ્ન બની જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એકંદરે બે વર્ષ પછી મન મુકીને ઉજવણી કરવાની છૂટ મળી હોય તેને માણી લેવા માટે તરેહ તરેહના આયોજનો અત્યારે કરી લેવામાં આવ્યા છે.
નવા વર્ષને વધાવવા માટે ઠેર-ઠેર ખાણીપીણીના આયોજનો ગોઠવવામાં આવ્યા છે જેમાં એક એકથી ચડિયાતી વાનગીઓ પીરસાશે. ખાણીપીણીનું આ આયોજન વિવિધ એપાર્ટમેન્ટ, સોસાયટી ક્લબ હાઉસ અને ખાસ કરીને અગાશીઓ ઉપર પણ ગોઠવવામાં આવ્યા છે જેમાં લોકો પરિવાર સાથે એકઠા થઈને ભોજનનો આસ્વાદ માણશે સાથે સાથે નવા વર્ષને ભાવપૂર્વક વધાવશે. આવી જ રીતે જેવા 12 વાગશે કે લોકો રસ્તા પર ઉતરી આવીને ફટાકડા ફોડવાનું શરૂ કરી દેશે તો ઠેર-ઠેર કેક કટિંગના આયોજનો કરવામાં આવ્યા હોય મોટાપાયે કેકના ઓર્ડરો પણ આપી દેવામાં આવ્યા છે. કેકકટિંગ અને આતશબાજીનો જલ્સો મોટાભાગે યુવાઓ જ કરતાં હોય તેમણે આ માટે અગાઉથી જ તૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી જ રીતે અનેક પરિવારો એવા છે જેમણે ફાર્મહાઉસ-વાડીઓમાં જમણવારની જ્યાફત ગોઠવી કાઢી છે. ખાસ વાત એ છે કે થર્ટીફર્સ્ટ શનિવારે આવી હોવાથી લોકોને મજોમજો પડી ગયો છે. આવી જ રીતે ક્યાંક-ક્યાંક છાંટોપાણી મતલબ કે દારૂ પીવાની વ્યવસ્થાઓ પણ ગોઠવી કાઢવામાં આવી છે પરંતુ જે રીતે છેલ્લા બે-ત્રણ દિવસથી પોલીસ ધોંસ બોલાવી રહી છે તેને જોતાં કાં તો પાર્ટીમાં પીવાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખવામાં આવ્યો છે તો અમુક એવા પ્યાસીઓ છે જેઓ કોઈ પણ ભોગે ઘૂંટડા ભરવાના મનસૂબા ધરાવી રહ્યા છે તેઓ પોલીસના ડર સાથે મદીરાપાન કરશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી.