Palitana
વિદ્યાર્થિનીના મોતનો મામલો ; આત્મહત્યા નહી પણ યુવતીની હત્યાનો પરિવારજનોનો આક્ષેપ
બરફવાળા
ન્યાયની માંગ સાથે ભાવનગર ખાતે કોળી સમાજે કલેક્ટર કચેરી ખાતે વિશાલ રેલી સાથે ચક્કાજામ કર્યો, પોલીસે રાજુ સોલંકી, બળદેવ સોલંકીની કરી અટકાયત
પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતે આવેલી લોક વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હોસ્ટેલની અગાસીમાં પાણીના ટાંકામાંથી લાશ મળી આવી હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, આ બનાવમાં યુવતીની હત્યા કરવામાં આવી છે તેવી શંકા રાખી કોળી સમાજે તપાસ કરી જવાબદારને ઝડપી લઈ યોગ્ય ન્યાય અપાવવા પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ હજુ સુધી વિદ્યાર્થિનીના મોત અંગે ન્યાય ન મળતા આજે કોળી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ચક્કાજામ કર્યું હતું.
જેથી પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી. પાલીતાણા ખાતે લોક વિદ્યાલય વાળુકડમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં જ રહેતી કૃપાલી નામની વિદ્યાર્થિનીનો બે મહિના પહેલા હોસ્ટેલની અગાસીમાં પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જે તે સમયે ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરી હતી. પરંતુ પરિવારજનો દ્વારા વિદ્યાર્થિનીની હત્યા કરી લાશ નાખી દેવાયા હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરવામાં આવી હતી. આ બનાવને લાંબો સમય વીતી ગયા છતાં વિદ્યાર્થિનીના મોતના મામલે પરિવારને ન્યાય મળ્યો ન હોય આજે કોળી સમાજ દ્વારા શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
જ્યાં ધરણા કરવા ઉપરાંત ચક્કાજામ સાથે ભારે સૂત્રોચાર કર્યા હતા. આ રેલીના સંદર્ભે પોલીસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મસ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માટે ખડકી દેવાયો હતો અને કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેવાયા હતા. જ્યારે ચક્કાજામ કરી રહેલા રાજુ સોલંકી, બળદેવ સોલંકી સહિત આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.