Gujarat
હજુ અંબાજીનો મોહનથાળ થાળે પડ્યો નથી ત્યાં ‘પાવાગઢ મંદિર’નો મોટો નિર્ણય

પવાર
અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહનથાળની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ આપવામાં આવતા ભક્તો દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ એક મંદિરમાં વિવાદીત નિર્ણય કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા માતાજીને ચઢાવવામાં આવતા શ્રીફળને લઈને તુઘલકી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાવાગઢ મંદિરે નિર્ણય કર્યો છે કે હવેથી પાવાગઢ મંદિર પરિસરમાં છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકાય. પ્રાપ્ત વિગત અનુસાર, પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢ મંદિર પરિસરમાં છોલેલું શ્રીફળ લઈ જવામાં પર પ્રતિબંધ લગાવ્યો છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને આ પ્રકારનો નિર્ણય કર્યો હોવાનું જણાવાયું છે. ભક્તો છોલ્યા વગરનું શ્રીફળ મંદિરમાં લાવીને માતાજીને ધરાવી શકશે અને ચૂંદડી સાથે તેને ઘર લઈ શકશે. આ શ્રીફળ ઘરમાં ચુંદડી બાંધીને મૂકવા અથવા શ્રીફળને ઘરે લઈ જઈને વધેરી પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત પાવાગઢ મંદિરની આસપાસ કોઈ વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો તે વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરવામાં આવશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેવામાં આવશી નહીં. જોકો કોઈ સિક્યુરિટી સાથે તકરાર કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે શ્રીફળને લઈને સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય આગામી 20 માર્ચ સોમવારથી લાગુ પડશે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને લઈને વેપારી અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.