Bhavnagar
ભાવનગર સહિત રાજયની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી
કુવાડિયા
રાજયની જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ : રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજયની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોયુ : ગૃહમંત્રી અને રાજયના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર નજર રાખી : કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ ગૃહ રાજય મંત્રીશ્રી, રાજયના પોલીસ વડા, આઈબીના વડા અને સીઆઇડી ક્રાઇમના વડા અને ગૃહવિભાગના સચિવે કર્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી : આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના અપાઇ હતી
ભાવનગર સહિત રાજયની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજય મંત્રીᅠહર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજયના ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજયના પોલીસ વડા વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા. આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજયભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ભાવનગર સહિત રાજયની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજયની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કર્યું હતું