Bhavnagar
સિહોરમાં ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો શુભારંભ : પરીક્ષાર્થીઓનું ઉત્સાહપૂર્ણ સ્વાગત
પવાર
હમ હોંગે કામયાબ… હમ હોંગે કામયાબ… મન મેં હૈ વિશ્વાસ પુરા હૈ વિશ્વાસ હમ હોંગે કામયાબ…વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ… સફળતાનો આત્મ વિશ્વાસ : પરીક્ષા કેન્દ્રો ઉપર વાલીઓ ઉમટયા : પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજવા હજારો કર્મચારીઓ ફરજ ઉપર…કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત, અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા મીઠા મોં કરાવી અપાઇ શુભેચ્છા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સિહોર સહિત રાજયભરમાં ધો. 10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. તેની સાથે જ રાજયભરમાં પરીક્ષા ફીવર છવાઇ જવા પામેલ છે. પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબના ફુલ આપી શુભેચ્છા આપવામાં આવી હતી.
આજ સવારથી જ ઉત્સાહ – ઉમંગ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ તનાવ મુક્ત પરીક્ષા આપે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર ઉત્સાહભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ સવારથી જ ઉત્સાહ – ઉમંગ અને અડિખમ આત્મવિશ્વાસ સાથે સિહોર સહિત ગુજરાત રાજ્યના ૧૬ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વની કસોટી આપવા પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચ્યા છે.
આજથી સમગ્ર રાજ્યમાં પરીક્ષાનો ફિવર છવાયો છે. ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો ન્યાયીક માહોલમાં કડક પ્રબંધો વચ્ચે પ્રારંભ થયો છે. આજ સવારથી જ વાલીઓ તેમના સંતાનોને પરીક્ષા કેન્દ્રો ઉપર મુકવા આવ્યા હતા. પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઇ તનાવ કે ભય ન અનુભવે તે માટે પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક – મીઠુ મોં – પુષ્પગુચ્છ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરીને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપ્યો છે.
પરીક્ષાના પ્રથમ દિવસે જાણે ઉત્સવનો માહોલ હોય તેવી રીતે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ રાજમાર્ગો પર નજરે પડતા હતા. પરીક્ષા કેન્દ્રો આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ કરવામાં આવી હતી. વાલીઓએ પરીક્ષા શરૂ થાય તે પૂર્વે પરીક્ષા કેન્દ્રોથી દુર ચાલ્યા ગયા હતા. પોલીસે પરીક્ષા કેન્દ્રો આસપાસ બંદોબસ્ત જાળવ્યો છે.