Sihor
સિહોર – એક સાથે બે પરીક્ષા :રાત્રે પિતાનું નિધન, અંતિમ વિધિ બાદ પુત્રએ પરીક્ષા આપી
બરફવાળા
ગમગીન નિસર્ગે હિંમત હાર્યા વગર આર્યકુળ સ્કૂલમાં આત્મવિશ્વાસથી પરીક્ષા આપી – સણોસરાના લોકભારતી સંસ્થાના શ્રીધરભાઈ ગજ્જરના હાર્ટએટેકથી મૃત્યુની ઘટના
જિંદગીમાં કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો થતો હોય છે ગઈકાલે બનેલી એક ઘટનામાં પુત્રને 12 સાયન્સની પરીક્ષા હતી અને રાત્રે પિતાનું નિધન થઈ ગયું હતું. સ્વજનોએ તેને તૈયાર કરીને, હિંમત આપીને પરીક્ષા અપાવી હતી. આથી નિસર્ગે પણ સાયન્સની આત્મવિશ્વાસથી પરીક્ષા આપી હતી. આમ ખરેખર તો નિર્સગને એક સાથે બે પરીક્ષાનો સામનો કરવાનો આવ્યો અને તે બન્ને પરીક્ષા તેણે આપી હતી. જોકે તેને બન્ને પરીક્ષા સ્વજનો અને શિક્ષકોની હિંમત તથા પ્રોત્સાહન બાદ આત્મવિશ્વાસપૂર્ણ રીતે પસાર કરી હતી. સમગ્ર ઘટનાની વિગત મુજબ સિહોર નજીક આવેલ લોકભારતી સણોસરા ખાતે કાર્યરત શ્રીધરભાઈ ગજ્જરનું સોમવારે રાત્રે હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું.જ્યારે બીજી તરફ તેમના પુત્ર નિસર્ગને મંગળવારે બપોરે 12 સાયન્સની પરીક્ષાનું પ્રથમ પેપર હતું.
તેનો નંબર આર્યકુળ સ્કૂલ, ભરતનગર વિસ્તારમાં આવ્યો હતો. આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર હતું અને તે પહેલા જ નિસર્ગને મોટી પરીક્ષા આવી પડી હતી. નિસર્ગે સવારમાં મક્કમ મનથી પિતાની અંતિમવિધિ તો કરી પરંતુ ત્યારબાદ તેણે ઢીલા પડી જઈને પરીક્ષા આપવાની ના પાડી હતી. પરંતુ સ્વજનોએ હિંમત અને હુંફ આપીને પોતાના પિતાનું પોતાને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા પરીક્ષા આપવા માટે તૈયાર કર્યો હતો અને તેણે હિંમતભેર પરીક્ષા આપી હતી. લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ ભદ્રાયુ વચ્છરાજાની, નિયામક અરુણભાઈ દવે, ઉપ કુલપતિ વિશાલ ભાદાણી સહિતનાએ પોતાના પરિવારના સભ્યને ગુમાવતા દિલસોજી પાઠવી હતી. આર્યકુળ સ્કૂલના સંચાલક નરેન્દ્રસિંહ પી. જાડેજાએ પરીક્ષાર્થીને તમામ પ્રકારની હુંફ અને હિંમત આપવાની ખાતરી સાથે તમામ દિવસની જવાબદારી લીધી હતી અને તેના માટે બળ પૂરું પાડ્યું હતું. જોકે નિસર્ગ ગજ્જરે પોતાના પિતાના અવસાન થયા બાદ તેણે પિતાની અંતિમવિધી કરી અને બાદમાં સ્વજનોની હિંમત અને હૂંફને લીધે બોર્ડની પરીક્ષા પણ આપી હતી