Sihor
સિહોર ફાયર સેફટીની ટ્રેનિંગ વિધાર્થીઓને અપાઈ
દેવરાજ
સિહોરમાં છેલ્લા કેટલાય દિવસોથી સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટીને લગતી વિવિધ કામગીરી, આગ લાગે ત્યારે તાત્કાલિક અસરથી તેનાથી બચવા અને બાદમાં આગથી ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે ટ્રેનિંગનું આયોજન થઈ રહ્યું છે. શિહોરની સરકારી હોસ્પિટલથી લઇ અને વિવિધ કોલેજો અને શાળાઓમાં અત્યાર સુધીમાં ટ્રેનિંગ અપાઈ ચૂકી છે, સિહોરમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસિસમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સિહોરનું મુદ્રા ક્લાસિસ, ચાણક્ય ક્લાસિસ અને ઓમ ક્લાસીસના વિદ્યાર્થીઓ તેમજ ત્યાંના શિક્ષકગણોને ટાઉનહોલ ખાતે એકત્ર કરી અને ફાયર ઓફિસર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં આગને લઈને બેઝિક નોલેજ, આગ ઓલવવા માટેનો લાઈવ ડેમો તેમજ આગથી ઓછામાં ઓછું નુકસાન થાય તે માટેની માહિતી આપવામાં આવી હતી.
ભૂતકાળમાં ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટનાઓ બની છે અને માટે જ ત્યાંના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણોને ફાયર સેફ્ટીની ટ્રેનીંગ આપવી તે ખૂબ જરૂરી છે, સિહોરના ટાઉનહોલ ખાતે યોજાયેલી આ ટ્રેનિંગમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સિવાય બાકી રહેલા ક્લાસીસના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણોને પણ આગામી દિવસોમાં ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવશે, શિહોર નગરપાલિકાના ફાયર ઓફિસર કૌશિભાઈ રાજ્યગુરુ દ્વારા ખુબ સરાહનીય કાર્ય થઈ રહ્યું છે ત્યારે તેમને અને તેમની સમગ્ર ટીમની કામગીરીને ખૂબ ખૂબ બિરદાવવા રહ્યાં છે