Sihor
સિહોર : ગરમીમાં વધારો થતાં માટીના માટલાની ડિમાન્ડ વધી

દેવરાજ
- માર્ચના બદલે ફેબ્રુઆરીમાં જ આકરો તાપ પડતા કારીગરો માટલા ઘડવા લાગ્યા: આ વર્ષે 25 ટકા જેવો ભાવ વધારો
આ વર્ષે વસંત ઋતુના આગમન સમયે ગ્રીષ્મ ઋતુ આવી પહોંચી હોય તેમ છેલ્લા ગત એકાદ સપ્તાહથી ગરમીમાં સતત વધારો થતાં ઉનાળો બેસી જવા જેવો માહોલ સર્જાતા કુંભાર જ્ઞાતિનાં કારીગરો માટલા ઘડવા માંડયા છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માટીમાંથી તૈયાર થતા માટલાની દર વર્ષે ઉનાળામાં ખરીદી સારી રહેતી હોય હાલ ઉનાળા જેવી ગરમી પડતા મહાનગરના અનેકવિધ વિસ્તારોમાં માટીના સાદા અને કલાત્મક ડિઝાઈન વાળા માટલાનાં વેચાણમાં ઉછાળો નોંધાયો છે.
ઉનાળાની ઋતુ જેવી આકરી ગરમી સાથે તાપ પડતા પાણીની તરસ છીપાવવા લોકો ઠંડુ પાણી પી તરસ છીપાવી રહ્યા છે. ધનાઢય લોકો ફ્રીજનું શુધ્ધ મીનરલ વોટર પીવે છે જયારે ગરીબ-મધ્યમ વર્ગના લોકો માટીના માટલાનું પાણી પી તરસ છીપાવે છે. આકરા તાપ સાથે માટલાની માંગ વધતા આજી ડેમ વિસ્તારમાં કારીગરો માટલાને કલર કરવા લાગ્યા છે. સાદા માટલા રૂા.150 અને કલર ડિઝાઈન વાળા માટલા રૂા.150-600ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. નાના-મોટા માટીના માટલામાં આ વર્ષે 25 ટકા જેવો ભાવ વધારો હોવાનું કારીગરોએ જણાવ્યું છે.