Sihor
સિહોર : આધારકાર્ડ ધારકોને રૂપિયાની લાલચ આપી ખોટા દસ્તાવેજ બનાવવાનાં તરકટનો પર્દાફાશ
પવાર
- સિહોરના રામટેકરી પાસે રહેતા વિમલ મકવાણા નામના શખ્સની સંડોવણી ખુલ્લી ; સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવતા રાજ્યવેરા નિરીક્ષકે પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી
સિહોર સહિત ભાવનગર જિલ્લામાં આધારકાર્ડ ધારકોને રૂપિયાની લાલચ આપી તેમના આધારકાર્ડમાં મોબાઈલ ફોન બદલી ખોટા દસ્તાવેજો ઉભા કરવાનું કૌભાંડ છે પ્રકાશમાં આવતા રાજ્યવેરા નિરીક્ષકે ત્રણ શખ્સ સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર સ્થિત નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરી (અન્વેષણ), વિભાગ-૯ના રાજ્યવેરા નિરીક્ષક અને ટીમે ગત તા.૨૦-૨ના રોજ કરેલી તપાસમાં કેટલાક શખ્સો દ્વારા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી આધાર કેન્દ્ર ખાતે લાવી તેઓના આધારકાર્ડમાં ઓનલાઈન ફોન નબંર બદલાવી છેતરપિંડી આચર્યા બાદ તેઓના ડોક્યુમેન્ટનો દુરૂપયોગ કરી જીએસટી નંબર મેળવવામાં આવી રહ્યો છે.
જેના આધારે તપાસ કરવામાં આવતા સાજીદ નામના શખ્સના કહેવાથી વિમલ મુકેશભાઈ મકવાણા અને કૃણાલ કમલેશભાઈ રાઠોડ નામના બે શખ્સો લોકોને બેન્ક ઓફ બરોડા, ભવાનીનગર, વિરાણી સર્કલ પાસે, ભગવતી રોડ, કાળિયાબીડ ખાતે આવેલા આધાર કેન્દ્ર અને ચાવડીગેટ, વિજય પેલેસ હોટલ પાસે, ત્રીજા માળે આવેલા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) ખાતે લાવી આધારકાર્ડ ધારકને રૂા.૭૦૦ આપી તેમના આધારકાર્ડમાં ફોન નંબર અપડેટ કરાવી આર્થિક લાભ માટે લોકો સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરી ખોટા દસ્તાવેજો બનાવતા હોવાનું જણાયું હતું. રાજ્યવેરા નિરીક્ષક કે.ડી. રથવીએ ત્રણેય શખ્સ વિમલ મકવાણા (રહે, રામટેકરી, પક્ષીઘર, સિહોર), કૃણાલ રાઠોડ અને સાજીદ સામે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૩૪, ૪૬૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.