Sihor
સિહોર ; ફરી હવામાન પલ્ટાયુ : ભાવનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘનઘોર વાદળા

દેવરાજ
સવારથી જ સુર્યનારાયણ ભગવાન ગાયબઃ લોકોના જીવ ઉંચક : ખેડુતો ચિંતાતુર : ગમે ત્યારે ‘માવઠુ’ સર્જાવાની પુરી શકયતા ; સર્વત્ર પવનનાં સૂસવાટા સાથે કોઇ-કોઇ જગ્યાએ ઝરમર છાંટા પડયા : કેરી, ઘઉં સહીતના પાકને નુકશાન
સિહોર સહિત ભાવનગર અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આજ સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ઘટાટોપ વાદળા છવાઇ ગયા છે. અને ગમે ત્યારે કમોસમી વરસાદ પડે તેવું વાતાવરણ છવાઇ ગયુ છે. આવા વાતાવરણ વચ્ચે પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે. અને કોઇ – કોઇ જગ્યાએ ઝરમર છાંટા વરસ્યા છે. આજે સવારથી સૂર્યનારાયણ ભગવાન ગાયબ છે. લોકોના જીવ ઉંચક છે. ખેડૂતો ચિંતાતૂર છે અને ગમે ત્યારે ‘માવઠુ’ સર્જાવાની પુરી શકયતા છે. કેરી, ઘઉં, સહિતના પાકને નુકશાન થશે. રાજયનાં વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો આવી રહ્યો છે. દિવસે આકરો તાપ અને વહેલી સવારે ઠંડક સાથે ગત અઠવાડીયામાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાનાં કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ફરી આગામી પ દિવસ કમોસમી વરસાદની હવામાન આગાહી કરી છે. રાજયભરમાં થડરસ્ટ્રોમ એકિટવીટી સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તા. ૧૬ અને ૧૭ કમોસમી વરસાદ પડવાની શકયતા છે. હજુ તો માવઠાના મારમાંથી ખેડૂતો ઉભર્યા પણ નથી ત્યાં ફરી હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં ૧૬ અને ૧૭ માર્ચ વરસાદ પડવાની શકયતા છે.
રાજયમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. તો બીજી બાજુ ૩૦ થી ૪૦ કિલો મીટરની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરી છે. રાજયમાં હાલ ખેડૂતો રવી પાકની લણીમાં લાગી ગયા છે. આ સ્થિતિમાં માવઠું થવાથી ખેડૂતોને નુકસાન થઇ શકે છે. જેને જોતા ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાક ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારોને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે.
- સિહોરમાં સવારથી છાંટા વચ્ચે હિલ સ્ટેશન જેવું વાતાવરણ !
- હજુ દશ દિ’ પહેલા જ માવઠાએ માર માર્યો હતો ત્યાં ફરી બીજો ફટકો
સમગ્ર સૌરાષ્ટ્રની સાથો સાથ વેર્સ્ટન ડિર્સ્ટબન્સની અસર હેઠળ સિહોરમાં પણ આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આ આગાહીના પગલે આજરોજ સવારથી જ સિહોર શહેરમાં વાતાવરણ બદલાઇ ગયું છે અને સવારથી જ શહેરના આકાશમાં અષાઢ માસ જેવા ઘટાટોપ વાદળો છવાઇ ગયા છે. ગોરંભાયેલા આકાશ વચ્ચે સવારથી જ ઠંડો પવન સાથે છુટાછવાયા છાંટા પણ શહેરમાં પડી રહયા છે. આથી આજે ગરમી સાવ ગાયબ થઇ ગઇ છે અને હિલ સ્ટેશન જેવું વાતાવરણ છવાઇ ગયું છે. જયારે આજરોજ સવારથી ભર ઉનાળે ચોમાસુ જેવો માહોલ છવાઇ જતા નગરજનો આશ્ર્ચર્ય અનુભવી રહયા છે.