Sihor
સિહોર ; પેપર ફોડનારાઓના પાપે હાથબની તેજસ્વી યુવતીનો જીવનદીપ બૂંઝાયો
કુવાડિયા
- જુનિયર ક્લાર્કની પરીક્ષા કેન્સલ થયાના આઘાત, મહેતન ઉપર મોત માવઠું બનીને શ્વાસ તાણી ગયું, ઝેરના પારખા કરનાર યુવતી 13 દિવસ સુધી હોસ્પિટલ બિછાને જીવન-મરણ વચ્ચે ઝઝૂમી, આખરે જિંદગીની પરીક્ષામાં ફેઈલ : પરિવાર શોકમગ્ન
ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પેપર ફોડનારાઓના પાપે હાથબ ગામની એક તેજસ્વી યુવતીનો જીવનદીપ બૂંઝાઈ ગયો છે. રાત-દિવસની મહેનત બાદ અંતિમ ઘડીએ પરીક્ષા કેન્સલ થવાથી યુવતી એટલી હદે હતાશ થઈ ગઈ હતી કે, આઘાતમાં સરી પડી ઝેરના પારખા કરી લેતા ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ૧૩ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ આખરે જિંદગીની પરીક્ષામાં ફેઈલ થઈ ગઈ હતી. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો અને તેમના વાલીઓ માટે આઘાતજનક કહીં શકાય તેવી ઘટનાની મળતી વિગત અનુસાર ઘોઘા તાલુકાના હાથબ ગામે પાયલબેન કરશનભાઈ બારૈયા (ઉ.વ.૨૧) નામની યુવતીએ સરકારી નોકરી મેળવવા માટે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ૩૦મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હતી.
પરંતુ કેટલાક રૂપિયા ભૂખ્યાં અને રૂપિયાના જોરે શોર્ટકટથી નોકરી મેળવી લેવાના નીચલી કક્ષાના વિચારો ધરાવનારા શખ્સો દ્વારા જુનિયર ક્લાર્કનું પેપર લીકેજ કરી દેવામાં આવતા પરીક્ષાની છેલ્લી કલાકોમાં પેપરલીક કાંડનો પર્દાફાશ થયો હતો અને પરીક્ષાને રદ્દ કરી દેવામાં આવી હતી. પરીક્ષા કેન્સલ થતાં પાયલબેન બારૈયા માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને ગત તા.૩૦-૧ના રોજ સાંજના પાંચ કલાકના અરસામાં તેણીએ પોતાના ઘરે જાતેથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાનમાં પરીક્ષા કેન્સલ થયાના આઘાતમાં ઝેરના પારખા કરનાર પાયલબેન બારૈયાને તાબડતોડ સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલ બિછાને સારવારના કારણે થોડા દિવસમાં તબિયતમાં સુધારો થયા બાદ ફરી સ્થિતિ ગંભીર થવા લાગતા આખરે ૧૩ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ પાયલબેને સરકારી નોકરી મેળવવા માટે કરેલી મહેતન ઉપર મોત જાણે માવઠું બનીને શ્વાસ તાણી ગયું હોય તેમ ગઈકાલે રવિવારે સાંજે પાંચ કલાકે તેણીનું મૃત્યુ થયું હતું. બનાવ સંદર્ભે હોસ્પિટલ પોલીસે જરૂરી કેસ કાગળો તૈયાર કરી સબંધિત પોલીસને મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે આશાસ્પદ યુવતીના મોતને લઈ પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.