Sihor
સિહોર તાલુકા કોળી સમાજ દ્વારા ‘દીકરી જગત જનની’ ; ભવ્ય લગ્નોત્સવ યોજાયો

પવાર
સિહોર તાલુકા કોળી સમાજ આયોજિત માતા પિતા વિહોણી 21 દીકરીઓનો લગ્ન ઉત્સવ સંપન્ન
સિહોર તાલુકા કોળી સેના દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજની માતા પિતા વગરની 21 લાડકી દીકરીઓનો બીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો સિહોર તાલુકા કોળી સેના આયોજિત દીકરી જગત જનની ભવ્ય લગ્નોત્સવમાં 21 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા અને 21 યુગલની લગ્નવિધિ સંપન્ન થઇ હતી. આજે નવ દંપતીને આશીર્વાદ આપવા મહિલા સાંસદ ભારતીબેન શિયાળ, દિવ્યેશ સોલંકી સહિતના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજ અગ્રણીઓ, સંતો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલા મહિલા સાંસદ ભારતીબેન શિયાળએ મંચ પરથી આશીર્વચન આપતા ડાયરાને રામ રામ કરીને જણાવ્યુ હતુ કે, કોળી સેના દ્વારા આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. આ ભગીરથ કાર્યને ઈશ્વર ક્યારેય અટકવા નહિ દે એવી હું પ્રાર્થના કરૂ છુ. સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો અવસર નોંધનીય છે.
એમણે દીકરીઓને સલાહ આપતા કહ્યું કે, સાસુ સસરાને જ તમારા માતા પિતા માનજો. આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. માંડવો જ નહિ આખો માહોલ હીબકે ચઢે છે.આવો જ માહોલ દીકરી જગત જનની લગ્નોત્સવમાં સર્જાયો હતો.. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા…