Sihor
સિહોર ; સુર્યદેવનો ગરમ મિજાજ : બગીચા સુમસામ : પક્ષીઓ પણ ત્રસ્ત : બપોરે અગનવર્ષાનો અનુભવ
દેવરાજ
ભાવનગર જિલ્લા પર સૂર્યદેવ કાળઝાળ : પારો 41 ડીગ્રીને આંબી ગયો, 24 કલાકમાં ઉષ્ણતામાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો
સિહોર સહીત સમગ્ર રાજયમાં છેલ્લા બે દિવસથી હીટવેવની તીવ્ર અસર વર્તાવા લાગી છે અને ઠેરઠેર ચાલુ સીઝનની સૌથી વધુ ગરમી નોંધાવા પામી છે ભાવનગર સહિત જિલ્લામાં ચાલુ સીઝનની સૌથી વધુ 41 ડીગ્રી આસપાસ ગરમી નોંધાઈ હતી જેને લઈ લોકો આકુળ વ્યાકુળ બની ગયા હતા. આજે સવારથી જ ભાવનગર જિલ્લામાં સુર્યદેવતાં કોપાયમાન બન્યા હતા અને બપોરે તો સુર્યદેવતાએ રીતસર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોકોએ ભઠ્ઠા શેકનો અનુભવ કર્યો હતો. આજે બપોરે કાળઝાળ ગરમીના પગલે જનજીવન ઉપર પણ વ્યાપક માઠી અસર નજરે પડી હતી.
બપોરે રાજમાર્ગો અને બજારોમાં ટ્રાફીક સાવ પાંખો થઈ ગયો હતો અને બપોરે બને ત્યાં સુધી લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યુ હતું. ઉનાળાના પ્રારંભે માવઠા જેવા વાતાવરણ બાદ એકાએક ચાર દિવસથી કાળઝાળ ગરમી પડવાનું શરૂ થઇ ગયું છે. તેમાં પણ ગઇકાલથી તો બપોરે અગનવર્ષાનો અનુભવ થઇ રહ્યો છે. આજે પણ તાપમાન 41 ડિગ્રી ઉપર લાગી રહ્યું છે ત્યારે ઠંડક આપતા હરીયાળા બગીચા પણ ભરબપોરે સુમસામ થવા લાગ્યા છે. અમુક લોકો બગીચામાં ઝાડનો છાંયડો શોધે છે, પરંતુ ત્યાં પણ લુ નો અનુભવ થાય છે.
ન માત્ર માનવી પરંતુ પશુ પક્ષીઓ પણ હવે સખ્ત તાપ અનુભવે છે. ચબુતરામાં કબુતરો પાણીમાં ઠંડક મેળવવા પ્રયાસ કરતા હોય તેવું લાગે છે. તો તાપ વચ્ચે શ્રમિક પાણીના પાઇપથી માથામાં ઠંડક કરી રહ્યો છે. આકરી ગરમીમાં ટોપીની બજાર પણ ગરમ થઇ ગઇ છે.