Sihor
સિહોર ; કરબલાની ભવ્ય આહૂતિની સ્મૃતિમાં તાજીયા : અશ્રૂભેર મનાવાતો આશૂરાહ
પવાર
- સિહોરમાં જૂલૂસરૂપે ફરતા તાજીયાઓને રાત્રે પુનઃ ઇમામખાનામાં વિરામ : મુસ્લિમ સમાજ શોકમય: કબ્રસ્તાનમાં ઉમટી પડેલા સ્વજનો : વિના ભેદભાવે ભરપૂર માત્રામાં થતું અન્નદાન : ૭૨ શહીદોને અપાયેલી શ્રધ્ધાંજલિ : વિશેષ નમાઝ બાદ દૂઆઓ – ક્ષમા યાચનાઓ થઇ
ગઇ સાંજે સિહોર શહેરના લીલાપીર વિસ્તારમાં આવેલ ઇમામખાનામાંથી તાજીયા બહાર આવી જાહેરમાં માતમમાં રખાયા હતા ત્યારે જાહેરમાં તાજીયાઓ હિન્દુ-મુસ્લિમ ભાઇઓના આકર્ષણરૂપ બન્યા હતાં. તેની વિવિધ કારીગરો દ્વારા બનાવાયેલી કલાત્મકતા સૌએ નિહાળી જાહેરમાં દર્શન કર્યા હતાં. ગઇકાલે સાંજે તાજીયા માતમમાં આવ્યા બાદ આખી રાત ફર્યા પછી એ જ સ્થળે રહ્યા પછી આજ સવારથી ફરી માતમમાં આવ્યા છે અને આજે મોડી રાત્રે તેને ફરી ફેરવીને ઇમામખાનામાં પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યા હતા ખાસ કરીને આજે ૧૦ મી મહોર્રમનો દિવસ એટલે કે, ‘આશૂરાહ’ પર્વ મનાવાઇ રહ્યું છે અને સવારના સમયે આજે વિશેષ નમાઝ પઢવાની હોય છે એ સાથે આજે જ આશૂરાહ પર્વ હોઇ આ દિવસની આજે સવારે વિશેષ નમાઝ, દુઆ તે પછી કબ્રસ્તાનમાં શ્રાધ્ધ તર્પણના કાર્યક્રમો રહ્યા હતાં.
બીજી તરફ આશૂરાહ ના લીધે મુસ્લિમ સમાજ શહીદોના શોકમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને મુસ્લિમ સમાજ દ્વારા જડબેસલાક શોકમય બંધપાળી વિવિધ પઠન કરી, નિયાઝ વિતરણ કરી કરબલાના શહીદોને ભવ્ય અંજલિ અર્પિત કરવામાં આવી છે. મહોર્રમ નિમિતે ખાસ કરીને પૈગમ્બર સાહેબના દૌહિત્ર ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની યાદ તાજી કરવામાં આવી રહી હોય મુસ્લિમ લતાઓમાં દરરોજ રાત્રીના હુસૈની મહેફીલો યોજાઇ હતી જેની ગઇ રાત્રે પુર્ણાહૂતિ થઇ હતી. બીજી તરફ મુસ્લિમ લતાઓ ઉપરાંત જાહેર રસ્તા અને જાહેર ચોકમાં સબીલો દ્વારા ઠંડાપીણા, ચા-કોફી, નાસ્તો વિતરણ કરાઇ રહ્યા છે એ ઉપરાંત ઠેરઠેર જાહેર નિયાઝના કાર્યક્રમો યોજાયા છે. અનેક મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે.
મહોર્રમ નિમિતે કેટલાક મુસ્લિમ ભાઇ-બહેનો ૧૦ દિ’ ના રોઝા રાખી રહ્યા છે. તેમાં પણ અનેક ભાઇ-બહેનોએ ગઇકાલે અને આજે બે દિ’ના રોઝા રાખેલ અને આજે ૧૦ મી મહોર્રમ ઇસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ હોય ‘આશૂરા’ ના દિવસે મુસ્લિમ બિરાદરો સવારે વિશેષ નમાઝ પઢી અને કબ્રસ્તાનોમાં ઉમટી પડી શ્રાધ્ધ તર્પણ કરેલ હતું. ગઇ રાતે આશૂરાની રાત્રી મનાવાયેલ હતી. ખાસ કરીને આજે સવારે મસ્જિદોમાં વિશેષ નમાઝ પઢાઇ હતી અને તે પછી અરસપરસ મુસ્લિમ બિરાદરોએ ક્ષમાયાચના કરી દુઆઓ કરી હતી. આજે સાંજે ઠેર ઠેર રોઝા ખોલાવવાના જાહેર કાર્યક્રમો યોજાયા છે. એ ઉપરાંત સબિલ ઉપર નિયાઝ વિતરણનો ધમધમાટ રહ્યો છે. આમ આજે શ્રધ્ધાભેર શહિદ દિન મનાવવામાં આવી રહ્યો છે.