Sihor
સિહોર ; IB ડાયરેક્ટરની ઓળખ આપી મહાઠગે ખંખેરી લીધા સાડા 5 લાખ, બેંકનું દેવું માફ કરી આપવાની લાલચે આધેડ ભોળવાઈ ગયા
પવાર
સિહોરના એક વ્યક્તિ સાથે સાડા પાંચ લાખની ઠગાઇ, બેંકનું દેવુ માફ કરાવી દેવાની આપી લાલચ, આધેડે 5.66 લાખ રૂપિયા ગુમાવ્યા
સિહોરના આધેડને IB ડાયરેક્ટરની ઓળખ આપી મહાઠગે સાડા પાંચ લાખનો ચૂનો લગાવતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. સિહોરમાં બેંકનું દેવું માફ કરાવી આપવાની લાલચે આધેડે ગુમાવ્યા સાડા પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઠગે IB ડાયરેક્ટરની ઓળખ આપી આધેડને રૂપિયા સાડા પાંચ લાખનો ચૂનો લગાવ્યો હતો. સિહોરના અનિલકુમાર શાહે છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સિહોર ખાતે રહેતા અનિલકુમાર જયસુખલાલ શાહ (ઉં.વ 62, રહે. રામદાસ સોસાયટી, સિહોર)ના મોટાભાઈ સિક્કીમ ખાતે ફરવા માટે ગયા હતા, જ્યાં તેમની વડોદરાના હિતેશ ઠાકર નામના શખ્સ સાતે મુલાકાત થઈ હતી. આ દરમિયાન હિતેશે આઇ.બીના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખ આપી હતી.
જેના થોડા દિવસ બાદ હિતેશ ઠાકર સિહોર ખાતે આવ્યો હતો, આ દરમિયાન અનિલભાઈનો તેની સાથે પરિચય થયો હતો. વાતચીત દરમિયાન હિતેશે પોતે આઇ.બીના ડેપ્યુટી ડાયરેક્ટર હોવાની ઓળખ આપી હતી. સાથે જ છેક ઉપર સુધી તેની ઓળખાણ હોવાનું જણાવ્યું હતું. જેથી તેની વાતમાં આવીને અનિલ કુમારે સહકારી બેંકમાંથી લીધેલ 50 લાખની લોન માફ કરાવી આપવા જણાવ્યું હતું. જેથી હિતેશે આ લોન માફ કરાવી આપવાનો વાયદો આપ્યો હતો. જે બાદ હિતેશ ઠાકરે ચાર્જ પેટે રૂ.5 લાખ 66 હજારની માંગ કરતા અનિલ કુમારે થોડા થોડા કરીને ચેક અને રોકડ મારફતે હિતેશ ઠાકરને 5,66, 793 રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યાને લાંબા સમય બાદ પણ લોન માફ ન થતાં તેમણે હિતેશ ઠાકરનો કોન્ટેક્ટ કર્યો હતો. જે બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેઓ સીધા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. સિહોર પોલીસ સ્ટેશન ખાતે અનિલ કુમારે વડોદરાના હિતેશ પ્રવિણચંદ્ર ઠાકર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.