Sihor
સિહોર ; સર્વોત્તમ ડેરી આશીર્વાદરૂપ ; વધુ એકવાર દૂધના ખરીદ ભાવમાં વધારો કરતી સર્વોત્તમ ડેરી
Kuvadiya
હાલ જે ૮૧૦ કીલો ફેટે ચૂકવાય રહ્યા છે તેમાં રૂ ૨૦ વધારો કરી રૂ, ૮૩૦ કરાયા ; ૧લી જૂન થી રૂા.૨૦ના વધારાનો લાભ, પશુપાલકોમાં હર્ષની લાગણી
સિહોર નજીક આવેલ ભાવનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને નિયામક મંડળની મિટિંગ મળી હતી. જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. દૂધના ખરીદભાવ અંગે ચર્ચા થતા હાલ જે ૮૧૦ કીલોફેટે ચૂકવાય રહ્યા છે તેમાં રૂ. ૨૦ વધારો કરી ૧લી જૂનનાં રોજથી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ.૮૩૦ કરવામાં આવેલ છે. હાલ મોંઘવારીના ભરડાને પહોચી વળવા, ઉનાળાની ગરમીમાં પશુદીઠ દૂધ ઉત્પાદકતામાં થયેલ ઘટાડાને ધ્યાનમાં લઇ પશુપાલન વધારે નફાકારક બને તેમજ સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલ પશુપાલક પરિવારોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચું આવે તેવા હરહંમેશ પ્રયત્નો કરી જીલ્લાના છેવાડાના લોકો સુધી વધારે વળતર મળે તેવા આશયથી દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવેલ છે.
સર્વોત્તમ દાણ બનાવવાના કાચા માલની ખરીદીમાં કમરતોડ ભાવ વધારો થયેલ છે છતાં પણ સર્વોત્તમ દાણના ભાવમાં એકપણ રૂપિયાનો ભાવવધારો કરવામાં આવેલ નથી. સર્વોત્તમ ડેરી દ્વારા આ વર્ષે ટુંકાગાળામાં સતત ચોથી વખત ભાવવધારો કરવામાં આવેલ છે. જૂન માસથી ૨૦/- રૂ।, નો ભાવ વધારો કરવાથી દૂધ ઉત્પાદકોને ૫ કરોડ રૂ।. વધારે ચુકવવામાં આવશે. સને ૨૦૨૨ ના મેં માસમાં પ્રતિ કીલોફેટે રૂ. ૭૫૫/- ભાવ હતો જેની સરખામણીમાં સને ૨૦૨૩ ના મેં માસમાં પ્રતિ કીલોફેટે રૂ।. ૮૨૦/- કરવામાં આવેલ છે. જેથી દૂધ ઉત્પાદકોને ગત વર્ષ કરતા રૂ. ૭૫/- કીલોફેટે વધારે મળશે. સર્વોત્તમ ડેરીના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતના કરકસર અને કુનેહપૂર્વક વહીવટ દ્વારા જીલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન અને આશીર્વાદરૂપ બનેલી સર્વોત્તમ ડેરી દ્વારા રેકોર્ડબ્રેક દૂધના ખરીદભાવ ચુકવવામાં હંમેશા અગ્રેસર રહેલ છે. આમ હરહંમેશ ભાવનગર જીલ્લામાં શ્વેતક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ લાવવામાં સર્વોત્તમ ડેરીનો અમૂલ્ય ફાળો રહેલ છે, સર્વોત્તમ ડેરી દ્વારા ભાવવધારો થતા પશુપાલકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.