Sihor
સિહોરના ટાણા ગામે આર્મીમેને ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી દીધી : સમગ્ર પંથકમાં અરેરાટી

પવાર
જમ્મુમાં પોસ્ટીંગ હતી, આર્મીમેન 15 દિવસથી રજા પર હતો, આત્મહત્યાનું કારણ અકબંધ : 3 વર્ષના પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી
સિહોર તાલુકાના ટાણા ગામે આર્મીમેને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી દેતા અરેરાટી સાથે આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. દેશસેવા અને દુશ્મન દેશના દાંત ખાંટા કરવાની નેમ સાથે આર્મીમાં જોડાયેલા લડવૈયા મીજાજનો યુવાન જિંદગીની જંગ હારી જતાં પરિવાર ઉપર વ્રજઘાત પડયો છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર તાલુકાના ટાણા ગામના વતની વિરમદેવસિંહ બહાદુરસિંહ ચૌહાણ (ઉ.વ.૨૮)એ ગઈકાલે શનિવારે રાત્રિના સમયે ટાણા ગામે ડો.દીપકભાઈના દવાખાના પાસે આવેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જેમના મૃતદેહને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હરદેવસિંહ દિલુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦, રહે, ડો.દીપકભાઈના દવાખાના પાસે, ટાણા)એ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધા અંગેની જાહેરાત આપતા સિહોર પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, આર્મીમેન વિરમદેવસિંહ ચૌહાણ જમ્મુમાં ફરજ બજાવતા હતા અને ૧૫ દિવસથી રજા ઉપર પોતાના ઘરે આવ્યા હતા. ત્યારે આર્મી જવાનના કયાં કારણોસર મોત વ્હાલું કર્યું ? તેનું કારણ અકબંધ રહ્યું છે.