Bhavnagar
શાળા પ્રવેશોત્સવ શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ અને પરિવર્તનનું પ્રતીક બન્યો છે : જીતુભાઈ વાઘાણી
બરફવાળા
ભાવનગર ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩ અંતર્ગત ભાવનગરની ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો. આ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શાળા મહોત્સવ શરૂ કર્યો હતો. તે સમયે ગુજરાત રાજ્યની શાળાઓમાં નામાંકન દર ૭૫% હતો. પરંતુ આજે એમના અથાક પ્રયત્નોથી એ દર ૧૦૦% થયો છે.
દરેક વાલીઓ તેમના દીકરા-દીકરીઓને ભણાવવા લાગ્યા છે. તેમના સપના પૂર્ણ કરવામાં તેમના ભાગીદાર બન્યા છે. આ બધું જ શક્ય થયું છે આવા અદભુત રીતે યોજાતા પ્રવેશોત્સવ અને સર્વ શિક્ષા અભિયાનને કારણે જે આપણા સૌ માટે ખૂબજ ગર્વની વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું. ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે બાળકોને સંબોધતાં જીતુભાઇએ કહ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ અને પરિવર્તનનું પ્રતીક બન્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાળામાં મેળવેલા શિક્ષણ અને તાલીમ થકી તેમનો સર્વાંગી વિકાસ તથા જીવન ઘડતર થાય, એ તમામ શિક્ષકો અને વાલીઓ, એમ બંનેની જવાબદારી છે. વિદ્યાર્થીઓને સારા નરસાનું જ્ઞાન આપી પોતાના પગભર કરે તેમ કહી તેઓએ વિદ્યાર્થીઓ એ શિક્ષકો, વાલી અને સમાજની જવાબદારી છે, તેમ સમજાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકની ફરજ છે કે તે પાણી બચાવે, વીજળી બચાવે, સાથે જ પર્યાવરણનું જતન કરે અને વિદ્યાર્થીઓને પણ જીવન જરૂરિયાતમાં ઉપયોગી સંસાધનો અંગે માહિગાર કરાવવા અને તેમનું મહત્વ સમજાવવું, જેથી આવનારી પેઢીઓને તે પ્રાપ્ત થઈ શકે તેમ તેઓએ જણાવ્યું હતું.
સાથેજ તેમણે તમાકુથી થતા કેન્સર જેવા રોગોની વાત પણ કહી હતી. જેથી નાની ઉંમરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તમાકુ જેવા પદાર્થોનું સેવન ન કરે અને ખોટા માર્ગે ન જતા રહે, એવી તાકીદ કરી હતી. સમારંભના અંતમાં વાઘાણીએ જણાવ્યું કે, પ્રવેશ પામેલ તમામ વિદ્યાર્થીઓ પોતાની શાળા, પરિવાર અને સમાજનું નામ રોશન કરે અને દેશની વિકાસયાત્રામાં ભાગીદાર બને તેવી શુભેચ્છાઓ અને આશીર્વાદ છે.