Sihor
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીથી વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી ; સિહોર બાલાજી નગર પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
દેવરાજ
સિહોર બાલાજી નગર પ્રાથમિક શાળા ખાતે નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ નકુમ, શંખનાદ સંચાલક લોકનેતા મિલન કુવાડિયા, અને ભાજપના અગ્રણી કિશન સોલંકીએ બાળકોને પ્રવેશ આપી સફળ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ-કુટુંબ અને શાળાનું નામ રોશન કરે તેવા શુભાશિષ પાઠવ્યા હતા. સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારી રહ્યા છે.
ત્યારે સિહોર બાલાજી નગર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો ગયો, આ તકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ નકુમે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં વાલીઓ પોતાના બાળકોને ભણવા અર્થે શાળાએ મોકલતા નહોતા. અને જો શાળામાં મોકલે તો પૂરતું શિક્ષણ મળતું નહોતું. આના કારણે બાળકો શાળા છોડી જતા હતા. આવી પરિસ્થિતમાં બાળકોને જે શિક્ષણ અને જ્ઞાન મળવું જોઇએ તે મળતું ન હોવાથી જોઇએ તેવો વિકાસ થતો ન હતો. આ પરિસ્થિતિનું નિવારણ થાય અને બાળકોમાંના જ્ઞાનમાં વધારો થાય તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે, લોકનેતા મિલન કુવાડિયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, શિક્ષણથી વ્યક્તિ પોતે પોતાનું, ગામનું અને શહેરનું નામ રોશન કરી શકે છે.
આ ઉપરાંત પ્રાથમિક શાળામાં મળતાં શિક્ષણથી વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય છે. જે તેમનું ભવિષ્ય નક્કી કરે છે. શાળા પ્રવેશોત્સવની સાથે વિદ્યાર્થીઓની હાજરી પણ ખૂબ જ અગત્યની છે. ભણતરથી કંઇક અલગ વિચારવાની નવી દ્રષ્ટિ કેળવાય છે, શાળામાં પ્રવેશ મેળવી રહેલા કુમાર-કન્યાઓને સફળ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ-કુટુંબ અને શાળાનું નામ રોશન કરે તેવા શુભાશિષ પાઠવ્યા હતા.