Gujarat
ગુજરાતમાં 90 ટકા ભાગોમાં વરસાદ: અનેક ભાગોમાં જળબંબાકાર
બરફવાલ
- રાજયનાં 251 માંથી 224 તાલુકામાં વરસાદ: 40 માં 4 થી 13 ઈંચ, રાજયનું સીઝનનુ 22.90 ટકા પાણી વરસી ગયુ: તાપીમાં 3 થી 9 ઈંચ, સુરતમાં 1 થી 9 ઈંચ, ડાંગ-નવસારીમાં સાર્વત્રીક પાંચ ઈંચ: ઉતર-મધ્ય ગુજરાતમાં પણ મહેર
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ જમાવટ કરી લીધી છે અને વરસાદની માત્રા તથા વિસ્તાર સતત વધતો રહ્યા હોય તેવા છેલ્લા ચોવીસ કલાકમાં 251 તાલુકામાંથી 224 તાલુકાઓમાં હળવોથી અતિભારે વરસાદ નોંધાયો હતો.સમગ્ર રાજયમાં વરસાદનું જોર હતું અને આ સાથે ગુજરાતમાં સિઝનનો 22.90 ટકા વરસાદ વરસી ગયો છે. રાજય સરકારનાં સતાવાર રીપોર્ટ પ્રમાણે ગુજરાતનાં 90 ટકા ભાગોમાં વરસાદ હતો. ચોમાસું સક્રિય હોય તેમ કેટલાંક ભાગોમાં વરસાદ હતો ચોમાસું સક્રિય હોય તેમ કેટલાંક ભાગોમાં અંધાધુંધ પાણી વરસ્યુ હતું. દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓ સતત ધમરોળાતા રહ્યા હતા તથા તાપીનાં સાણંદમાં ધોધમાર 9 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. જીલ્લાના વ્યારામાં 8 ઈંચ, ડોલવાનમાં સાડા સાત ઈંચ, સોનગઢમાં પાંચ ઈંચ, નિતારમાં ત્રણ ઈંચ વરસાદ થયો હતો. સુરત જીલ્લામાં પણ અંધાધુંધ વરસાદ વરસ્યો હતો.મહુવામાં 9 ઈંચ વરસાદ થતાં નીચાણવાળા ભાગોમાં પુરની હાલત સર્જાઈ હતી.બારડોલીમાં 6 ઈંચ, પલસાણામાં ચાર ઈંચ, માંડવીમાં ત્રણ તથા ઉંમરવાડામાં બે ઈંચ વરસાદ હતો.
નવસારી જીલ્લામાં સાર્વત્રીક 4 થી 5 ઈંચ વરસાદ હતો.વાંસદા, ચીખલી, ગણદેવી, જલાલાપોર, ખેરગામમાં પાંચ પાંચ ઈંચ તથા નવસારી શહેરમાં ચાર ઈંચ અને ડાંગમાં ચાર ઈંચ, વધઈમાં સાડા ચાર ઈંચ હતો. વલસાડ જીલ્લામાં ધરમપુર તથા કપરાવડામાં સાડા ત્રણ ઈંચ ઉંમરગામમાં ત્રણ ઈંચ વરસાદ હતો. નર્મદા જીલ્લો પણ નિશાન બન્યો હતો તેમ તિલકવાડામાં પાંચ ઈંચ, ગરૂડેશ્ર્વર તથા નાંદેડમાં 4-4 ઈંચ વરસાદ થયો હતો. ઉતર ગુજરાતમાં હળવો-ભારે મેઘસવારી હતી. અરવલ્લી જીલ્લો જળબંબોળ થયો હતો. બાયડમાં પાંચ તથા ધનસુરામાં ચાર ઈંચ વરસાદ હતો. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, તથા પાટણમાં ઝાપટાથી માંડીને ત્રણ ઈંચ વરસાદ હતો. મધ્ય ગુજરાતમાં મેઘસવારી જામી હોય તેમ અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં સાર્વત્રીક ચાર ઈંચ સુધીનો વરસાદ હતો. સૌરાષ્ટ્ર પણ જળતરબોળ બન્યુ હતું.રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, જીલ્લા જળબંબાકાર બન્યા હોય તેમ ભારેથી અતિભારે વરસાદ થયો હતો. હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે ગુજરાતનાં 224 તાલુકાઓમાં વરસાદ થયો હતો. રાજયમાં અત્યાર સુધીમાં સરેરાશ 200.83 મીમી પાણી વરસી ગયુ છે. જે સીઝનના 22.90 ટકા થવા જાય છે.165 તાલુકાઓમાં 2 થી 10 ઈંચ તથા 63 તાલુકામાં 10 થી 20 ઈંચ અને 9 તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ થયો છે.