Politics
Rahul Gandhi : સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો રાહુલ ગાંધીની સજાનો મામલો, યુએનના પ્રવક્તાએ કહી આ મોટી વાત
સુરતની એક કોર્ટે ગુરુવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. રાહુલ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ‘મોદી સરનેમ’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ હતો. આ મામલામાં ગુજરાતના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલો ગરમાયો છે. કોંગ્રેસ સહિત વિપક્ષની ઘણી પાર્ટીઓએ આને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીની જેલની સજાનો મામલો સંયુક્ત રાષ્ટ્ર (UN) સુધી પહોંચ્યો છે.
આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા ફરહાન હકનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા અને કોર્ટના નિર્ણય સામે તેમની પાર્ટીની અપીલના અહેવાલોથી વાકેફ છે.
પ્રેસ બ્રીફિંગમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ફરહાન હકે કહ્યું, ‘હું કહી શકું છું કે અમે રાહુલ ગાંધીના કેસથી વાકેફ છીએ. અમે સમજીએ છીએ કે તેમનો પક્ષ ચુકાદા સામે અપીલ કરવાની યોજના ધરાવે છે. આ તબક્કે હું એટલું જ કહી શકું છું.
કયો મામલો છે જેમાં રાહુલને સજા થઈ?
2019ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે? જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભાના સભ્ય રાહુલે 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ગયા શુક્રવારે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો જાહેર કરવા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ત્રણ વખત કોર્ટમાં હાજર થયો હતો. ઓક્ટોબર 2021માં પોતાનું નિવેદન નોંધવા કોર્ટમાં પહોંચેલા રાહુલે પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે આ કેસમાં રાહુલને સજા સંભળાવવામાં આવી છે.