Bhavnagar
લોકસભા ચૂંટણીની પુર્વ તૈયારીઓ શરૂ : તા.21થી બી.એલ.ઓ. ‘ડોર ટુ ડોર’ જશે

પવાર
- મતદાર યાદી સુધારણા માટે ખાસ આયોજન : બી.એલ.ઓ.નો તાલીમ તબકકો શરૂ : ચુંટણીપંચ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજાઈ
ભાવનગર સહિત સમગ્ર રાજ્યના વહીવટી અને ચુંટણીતંત્ર દ્વારા આગામી લોકસભાની ચુંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચુંટણી અંતર્ગત રાજય ચુંટણી પંચમાં એડીશ્નલ સીઈઓ દ્વારા દરેક જિલ્લાના ચુંટણી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને આ વિડીયો કોન્ફરન્સ દ્વારા 10 જીલ્લાના ચુંટણી અધિકારીઓને ખાસ કરીને મતદાર યાદી સુધારણા અંગેની સૂચનાઓ આપવામાં આવેલ હતી.
આ અંગેની મળતી વધુ વિગતો અનુસાર આજરોજ ચુંટણીપંચ દ્વારા યોજાયેલી વિડીયો કોન્ફરન્સ દરમ્યાન ખાસ કરીને આગામી તા.21 જુલાઈથી 21 ઓગષ્ટ દરમ્યાન રાજયભરમાં યોજાનાર મતદાર યાદી સુધારણા અંગે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તા.21-7 થી 21-8 દરમ્યાન ભાવનગર જીલ્લા સહિત રાજયભરમાં બીએલઓ ડોર ટુ ડોર જશે અને મતદાર યાદી સુધારણા, નવા નામ ઉમેરો, નામ-સરનામામાં ફેરફારો સહિતની સુધારણાની કામગીરી અંગે લોકો પાસે ફોર્મ ભરાવશે. આ વિડીયો કોન્ફરન્સ દરમ્યાન દરેક બીએલઓ દ્વારા મતદાર યાદી સુધારણાને લગતા વધુમાં વધુ ફોર્મ ભરાય તે માટેની સૂચનાઓ પણ આપવામાં આવેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત બીએલઓને ચાલુ સપ્તાહથી ટ્રેનીંગ આપવાનું શરુ કરી દેવામાં આવનાર છે.