Bhavnagar
રથયાત્રા માટે સિહોરમાં પોલીસે કર્યું જબરદસ્ત રિહર્સલ; અધિકારીઓ જવાનોનો કાફલો ઉતર્યો
પવાર
- અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા, વાહન ચેકીંગ, સઘન પેટ્રોલિંગ, ફ્લેગમાર્ચ સહિતનો ધમધમાટ
આગામી તા.20ને મંગળવારે અષાઢી બીજનો તહેવાર આવી રહ્યો છે જેને ઉજવવા માટે આખા ગુજરાતના ભાવિકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે સિહોર ભગવાન જગન્નાથજીની અત્યંત વિશાળ રથયાત્રા નીકળવાની પરંપરા હોય તેમાં આ વખતે કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિપૂર્વક આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ સાબદી બની ગઈ છે.
બીજી બાજુ રથયાત્રા પહેલાં જ સિહોર પોલીસ દ્વારા સુરક્ષા-બંદોબસ્ત માટે મેગા રિહસર્લ કરવામાં આવ્યું હતું જેમાં અધધ પોલીસ સ્ટાફ જોડાયો હતો. જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
રથયાત્રાના દિવસે તો જડબેસલાક બંદોબસ્ત રહેશે પરંતુ તે પહેલાં કોઈ પ્રકારની ઘટના આકાર ન લઈ જાય તે માટે છેલ્લા બે દિવસથી રથયાત્રાના માર્ગ ઉપર પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. વધુમાં પોલીસ સ્ટાફને જોઈને લોકોમાં રથયાત્રા નીકળી હોય તેવો માહોલ સર્જાઈ જેના કારણે લોકોમાં પણ એક સુરક્ષાનો ભાવ જોવા મળ્યો હતો.આ દરમિયાન રસ્તામાં આવતા તમામ ખૂણા, દબાણ અને અલગ-અલગ વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી. લોકોની અવર-જવર તેમજ ચહલ-પહલ ઉપર બાજનજર રાખવા માટે ખાસ સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.