Connect with us

Palitana

પાલિતાણા નગરપાલિકાના કર્મચારીઓ વેતનના મુદે અચોકકસ મુદતની હડતાલ પર ઉતર્યા

Published

on

Palitana Municipality employees go on indefinite strike over wages

Pvar

  • હડતાલને લઈને વહિવટીય કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ, પાલિકા ઉપરાંત પ્રાંત કચેરીમાં રજુઆત કરવા જતા જવાબદાર અધિકારીઓ તેમની નિયત ફરજ પર જોવા મળ્યા નહિ

પાલિતાણા નગરપાલિકાના સફાઈ કામદાર તેમજ રોજમદાર કર્મચારીઓ ગત ઓકટોબર અને નવેમ્બર માસના પગારથી આજની તારીખ સુધી વંચિત રહ્યા હોય પાલિકા તંત્રની પગારની અનિયમીતતાના વિરોધમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા સોમવારથી અચોકકસ મુદતની હડતાલના મંડાણ કરવામાં આવ્યા હતા. હડતાલના કારણે નગરપાલિકાના મહત્વપૂર્ણ કામો ઠપ્પ થઈ ગયા હતા.પાલિતાણા નગરપાલિકાના સફાઈ કામદારો, આરોગ્ય, વોટર વર્કસ, ડ્રેનેજ સહિતની અન્ય શાખાઓના કર્મચારીઓ છેલ્લા બે માસથી પગારથી વિહોણા રહ્યા હોય તેના વિરોધમાં આ કર્મીઓ સોમવારે સજજડ હડતાલ પર ઉતરી જતા પાલિકાની સમગ્ર  વહિવટીય કામગીરી ખોરંભે પડી ગઈ હતી. અને અનેક અરજદારોને ધરમધકકાઓ થયા હતા.આંદોલનકર્તાઓ નગરપાલિકા અને પ્રાંત કચેરીમાં રજુઆત કરવા જતા ત્યાં કોઈ જવાબદાર અધિકારી કે રાજકીય નેતાઓ જોવા મળ્યા ન હતા.પાલિકામાં પ્રમુખ અને ચિફઓફિસર ચોકસાઈપૂર્ણ વહિવટ કરવામાં નિષ્ફળ ગયા હોય કર્મચારીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. પાલિકાના ૧૪૫ થી વધુ સફાઈ કામદારોએ હડતાલ પાડતા પાલિતાણા શહેરમાં સફાઈકાર્યના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલાઓ યથાવત જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં સમયસર નિકાલ નહિ થતા ગંદકીનું સામ્રાજય વિકસી અને વિસ્તરી રહેલ છે.

કચરાના ઢગલાઓ દુર નહિ કરાતા અને ગંદકીનો નિકાલ નહિ કરાતા ચોતરફ ભયંકર દુર્ગંધ પ્રસરી રહેલ છે. જેના કારણે જાહેર ઉકરડાઓ સહિતના સ્થળો પાસેથી પસાર થવામાં રાહદારીઓ અને વાહનચાલકોને નાકે દમ આવી રહ્યો છે. ગુજરાત રાજયની ૧૬૩ નગરપાલિકાઓમાં વર્ષોથી કર્મચારીઓના પગારની અનિયમિતતાઓ ચાલી રહી છે તેમાં  જે તે પાલિકાના પ્રમુખ અને સભ્યોની કાર્ય પધ્ધતિની આવડતનો  ભોગ કર્મચારીઓ બની રહ્યા છે ૧૯૯૨થી ઓકટ્રોય નાબુદી બાદ રાજય સરકાર દ્વારા ઓકટ્રોયની ગ્રાન્ટ સ્વરૂપે દર ત્રણ મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ આ ગ્રાન્ટની રકમ નગરપાલિકાના કર્મચારીઓના પગારના અડધી રકમ જેટલી પણ હોતી નથી તેથી કર્મચારીઓના પગાર દર વખતે બેથી ત્રણ મહિના મોડા થતા હોય છે જયારે નગરપાલિકાની ટેક્સની આવક  દરરોજની અંદાજે રૂા ૫૦ હજારથી બે લાખ સુધીની થતી હોય છે તેમાંથી જો નિયમિત પગાર કર્યા પછી બીજા બધા ખર્ચ કરવામાં આવે તો આ કર્મચારીઓની પગાર નિયમિત થઈ શકે તેમ છે. કર્મચારીઓ પગારની અનિયમિતતાના કારણે પાયમાલ બની ચૂક્યા છે. પાલિકાના નાના કર્મચારીઓ ઉધાર અને લોનના હપ્તાઓથી ગાડુ ગબડાવતા હોય છે અને નિયમિત પગાર ન થવાના કારણે અનેક પ્રકારની પેનલ્ટીનો ભોગ બને છે.જયા સુધી કર્મીઓને પગાર નહિ ચૂકવાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે તેવુ તેઓએ આક્રોશભેર વધુમાં જણાવ્યુ હતુ.

error: Content is protected !!