Gujarat
હવે લોઢું જ લોઢાને કાપશે : ભાજપના સોફ્ટ હિન્દુત્વ સામે કોંગ્રેસ ધનુષ અને તીરથી ભાજપને પડકારશે
કુવાડિયા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલની નવી રણનીતિ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે – ૭મી જુલાઈએ ચોટિલા ચામુંડા માતાજીના આશીર્વાદ લઇ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીનું રણશિંગૂં ફૂંકશે
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધારે સમયથી કોંગ્રેસ મતૃઃપ્રાય હાલતમાં પડી છે અને અસ્તિત્વ સામે ઝઝૂમી રહી છે. ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં ૧૭ બેઠકો સાથે કોંગ્રેસે અત્યાર સુધીનો કંગાળ દેખાવ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં પણ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ રહ્યાં છે અને શૂન્ય બેઠક મળી રહી છે. હવે હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસનું સૂકાન શક્તિસિંહ ગોહિલને સોંપ્યું છે અને જેના કારણે નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જાવા મળી રહ્યો છે. શક્તિસિંહ ગોહિલ હવે ભાજપને ભાજપના ગઢમાં હરાવવા નવી રણનીતિ તરફ આગળ વધી રહ્યા છે. ભાજપના સોફ્ટ હિન્દુત્વ સામે કોંગ્રેસ પણ હવે સોફ્ટ હિન્દુત્વ સાથે ચૂંટણી જંગમાં ઉતરશે અને તેની શરૂઆત આગામી ૭મી જુલાઇથી શરૂ થઈ જશે. ચોટિલાના ચામુંડા માતાજીના આશીર્વાદ લઈને કોંગ્રેસ ભાજપને પડકાર ફેંકશે.
શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ ઘર વાપસીના દરવાજા પણ ખોલી નાખ્યા છે અને જેના કારણે વશરામ સાગઠિયા કરી કોંગ્રેસમાં આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય કેટલાક નેતાઓ પણ ઘર વાપસી કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરવા માટે હવે કોંગ્રેસ પણ હિન્દુત્વ તરફ આગળ વધી રહી છે અને જેની શરૂઆત ૭મી જુલાઈથી શરૂ થઇ જશે. કોંગ્રેસના નેતાઓ ચામુંડા માતાજીના આશીર્વાદ લઈ ચૂંટણીનું રણશિંગૂ ફૂંકશે અને એક રીતે ભાજપના સોફ્ટ હિન્દુત્વને કોંગ્રેસ હવે સોફ્ટ હિન્દુત્વથી જ પડકાર ફેંકશે. તાજેતરમાં જ અમિત ચાવડાએ પણ પોતાનો જન્મ દિવસ અંબાજી માતાજીના દર્શન કરીને ઉજવ્યો હતો અને એક રીતે એ સ્પષ્ટ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વ તરફ આગળ વધી રહી છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકાર ફેંકી શકે છે. શક્તિસિંહ ગોહિલ અનુભવી નેતા છે અને કોંગ્રેસમાં ૩૪ વર્ષથી સંકળાયેલા છે અને રણનીતિ ઘડવામાં માહેર છે અને આગામી સમયમાં ભાજપને ભારે પડે તો નવાઇ જેવું લાગશે નહી.