Gujarat
કોંગ્રેસમાં કોઈ જુથવાદ નથી: ચૂંટણીઓમાં સારા પરિણામો મળશે : શકિતસિંહ ગોહિલ

કુવાડિયા
કોંગ્રેસનો સંઘર્ષ સતા પડાવવાનો નહિં ; જનસેવાનો છે : પ્રજાના પ્રશ્નો હલ કરવા કાર્યકરોને આહવાન, પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવેલ શકિતસિંહ ગોહિલનું ભારતીય પરંપરા મુજબ રજવાડી સ્વાગત: વિશાળ રેલી : કોંગ્રેસનાં તમામ નેતા-કાર્યકરોએ હાજર રહીને ફૂલડે વધાવ્યા
ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે નિયુકિત બાદ પ્રથમ વખત રાજકોટ આવેલા શકિતસિંહ ગોહીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિશાળ વાહન રેલી પૂર્વે એન્ટ્રી કરાવવામાં આવી હતી.રાજકોટ કે ગુજરાતમાં કોંગ્રેસમાં કયાંય જુથવાદ નથી અને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સંગઠીત લડાઈ લડશે તેવુ જાહેર કર્યું હતું. રાજકોટ આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલને ગ્રીનલેન્ડ ચોકડીએ જ ફુલડે વધાવવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ તરીકેની પ્રથમ મુલાકાતને પગલે પાર્ટીનાં તમામ આગેવાનો-કાર્યકરો સ્વાગત માટે ઉમટયા હતા.
જયાંથી વિશાળ બાઈકરેલી સાથે સરકીટ હાઉસ પહોંચ્યા હતા, કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ તથા કાર્યકરોને તેઓ ઔપચારીક રીતે રૂબરૂ મળ્યા હતા અને ચૂંટણીમાં ‘ધ્યાન’ રાખવા તથા કામે ચડી જવાની તાકીદ કરી હતી. પ્રદેશ પ્રમુખે વાતચીતમાં એમ કહ્યુ કે કોંગ્રેસમાં કોઈ જુથવાદ નથી અને તમામ ખભેખભા મિલાવીને સંગઠીત રીતે કામ કરે છે. ભાજપ સરકાર સામે પ્રહાર કરતાં તેઓએ કહ્યું કે કોંગ્રેસના વિરોધ કે સંઘર્ષ સતા પડાવી લેવાનો કયારેય હોતો નથી. ગુજરાતનાં લોકોની સમસ્યા ઉજાગર કરવા તથા ઉકેલવા માટે જનસેવાનો જ સંઘર્ષ હોય છે.સરકાર જયારે અહંકારી બને ત્યારે તેને બદલવાની તાકાત જનતા પાસે હોય છે અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ અહંકારી સરકારને બદલવા માટે જ સંઘર્ષ કરી રહ્યા છે. ગુજરાતની પ્રજાનો પ્રેમ, આર્શીવાદ તથા સમર્થન મળશે. લોકશાહીમાં મજબુત વિરોધ પક્ષની તાકાત કોંગ્રેસ ઉભી કરશે અને ભવિષ્યની ચૂંટણીમાં સારા પરીણામ મેળવી શકે તેવો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો. કાર્યકર્તાઓના સ્વાગત-અભિવાદનનો પ્રતિભાવ આપતા તેઓએ એમ કહ્યું કે તમામ નેતા-કાર્યકરો મૌજુદ છે.
તે જ સાબીત કરે છે કે કોંગ્રેસ ‘એક ટીમ’ તરીકે કામ કરે છે અને કોઈ જુથવાદ નથી. ગુજરાતના લોકોની સમસ્યા હલ કરવા માટે કાર્યક્રમો-મહેનત કરવા તેઓએ આહવાન કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ ચોટીલામાં માતાજીનાં દર્શન કર્યા બાદ સીધા રાજકોટ આવ્યા હતા. ગ્રીનલેન્ડ ચોકડી પર ભારતીય પરંપરા મુજબ રજવાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. તલવાર રાસ રજુ કરવા સહીતનાં કાર્યક્રમ બાદ તેઓએ અભિવાદન ઝીલ્યુ હતું. કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, મહેશ રાજપુત, હેમાંગ વસાવડા, અર્જુન ખાટરીયા, હિતેષ વોરા, ગાયત્રીબા વાઘેલા, ઉપરાંત તમામ યુવક કોંગ્રેસ, મહિલા મોરચા, એનએસયુઆઈ, સેવાદળ સહીતના મોરચાનાં હોદેદારો-કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસમાં ઉત્સાહનું ઘોડાપુર ઉમટયુ હતું.