Sihor
સિહોરની કડકી નગરપાલિકાનું બેદરકાર તંત્ર ; ધોળે દિવસે અજવાળા
Pvar
ટાણા રોડ ગરિયાણા સોસાયટી વિસ્તારની લાઈટો ધોળા દિવસે શરૂ – વીજળી વિભાગની બેદરકારી નજરે ચડી ગઈ, આખો દિવસ ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો ચર્ચાએ ચઢી…
સિહોર નગરના અનેક વિસ્તારોમાં રાત્રે સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારું ઘોર રહેવા પામે છે તો બીજી તરફ ગરિયાળા વિસ્તારમાં રાત્રે ચાલુ થયેલ લાઈટ દિવસ દરમિયાન પણ સરેઆમ ચાલુ રહેતાં નગરજનોમાં ચર્ચાના વમળો ઉઠવા પામ્યા છે. લાઇટ પાણી અને ગટર જેવી નિહાયત જરૂરી સુવિધાઓ દરેક નાગરિક સુધી સારી રીતે પહોંચાડવામાં તમામ મોરચે નિષ્ફળ ગયેલી નગરપાલિકાનો આ વીજવ્યય પાલિકાની તિજોરી પર કેટલો ભાર પહોંચાડી રહ્યો છે તે તો તંત્ર જ જાણે તેવું નાગરિકો પૂછી રહ્યા છે .નગરપાલિકા તંત્રમાં અંધેર નગરી અને ગંડું રાજા જેવી બની ગઈ છે એમાં ઉપરથી હવે અધિકારીના હાથમાં શાસન આવતા કર્મચારીઓ બેફિકર બનીને બેજવાબદાર બની ગયા છે જે વાંરવાર લોકોની નજરે ચડી જ રહ્યું છે.
જ્યારે આજે સિહોરના ટાણા રોડ ગરિયાણા સોસાયટી વિસ્તારની સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે અજવાળા પાડીને પાલિકાની તિજોરીનું ભારણ વધારી રહી હતી. એક તરફ કર્મચારીઓના પગારના ઠેકાણા નથી, વીજ કંપનીઓના લાખ્ખો રૂપિયાના બિલ ચૂકવાના બાકી છે અને આ કર્મચારીઓ બેફિકર થઈને પોતાની અણઆવડત સાબિત કરી રહ્યા છે. ત્યારે આ ઘણીયાળી વગરની બની ગયેલ નગરપાલિકા ઉપર કોઈ જવાબદાર અધિકારી પોતાની જવાબદારી સમજીને કર્મચારીઓ સામેં લાલ આંખ કરે તે હવે જરૂરી છે. આ કર્મચારીઓ ની લાલીયાવડી જોતા તો લોકોને લાગી જ રહ્યું છે કે વહીવટદાર ચીફ ઓફિસર નો કોઈ હોલ્ડ પાલિકાના એક પણ કર્મચારીઓ ઉપર છે જ નહીં તો આવા વહીવટદાર ની જરૂર શુ છે સિહોર નગરપાલિકા ને કેમ કે અંતે નુકશાન તો પ્રજાની કમર ઉપર જ આવવાનું છે.