Gujarat
નરેશભાઈ પટેલનો 58 મો જન્મદિવસ બન્યો સેવાનો મહોત્સવ : દેશભરમાં 69 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
કુવાડિયા
જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતાં નરેશભાઈ પટેલ : અનેક સ્થળે વૃક્ષારોપણ, વૃદ્ધાશ્રમમાં ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ, ચોપડા વિતરણ, પક્ષીઓના માળાનું વિતરણ, રાશનકીટ વિતરણ કરાયું ;1500 થી વધુ બોટલ એકત્ર થઇ
વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરનાર એવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા અને જેમની 220થી વધુ વખત રક્તતુલા થઈ છે તેવા નરેશભાઈ પટેલનો જન્મદિવસ અવિસ્મરણીય અને યાદગાર બની રહ્યો છે. 11 જુલાઈ ને મંગળવારના રોજ પોતાના 58 વર્ષ પૂર્ણ કરીને 59મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં અને રાજ્ય બહાર ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, વૃદ્ધોને ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ, ચોપડા વિતરણ, પક્ષીઓના માળાનું વિતરણ, રાશનકીટ વિતરણ સહિતના સેવાકાર્યો કરીને ઉજવવામાં આવ્યો હતો.
પોતાના જન્મદિવસે સેવાકાર્યોની સુવાસ ફેલાવવા બદલ નરેશભાઈ પટેલે ઝુમ મિટીંગથી તમામ આયોજકો સાથે જોડાઈને તમામ રક્તદાતાઓ અને ખોડલધામ સમિતિઓના કન્વીનરો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ભરૂચ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહેસાણા, પોરબંદર, મોરબી, વલસાડ, નવસારી, ખેડા, નર્મદા સહિતના જિલ્લામાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
સાથે જ પ્રથમ વખત રાજ્ય બહાર મધ્યપ્રદેશના ઝરખેડામાં અને ચેન્નાઈમાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હજારો રક્તદાતાઓએ રક્તદાન કરતાં 5800થી વધુ યુનિટ બ્લડ એકત્ર થયું હતું. જ્યારે રાજકોટ માંથી 1500 થી વધુ રક્ત ની બોટલ એકત્ર થઇ હતી. તમામ રક્ત વિવિધ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. રાજકોટમાં સરદાર ભવન, ન્યુ માયાણીનગર અને સામાકાંઠે પટેલવાડી ખાતે. રકતદાન કેમ્પ યોજાયો હતો.અને સમાજીક, ધાર્મીક, અગ્રણીઓ એ નરેશભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.