Sihor
સિહોરની જનતાને પાણી પૂરું પાડવામાં નગર પાલિકા ના-પાસ ; મહિલાઓનો હલ્લાબોલ
પવાર
લોકોને ૧૫-૧૫ સુધી પાણી નથી મળ્યું, શહેરભરમાં પાણીની વિકટ સમસ્યા ઘેરી બની, અત્યાર સુધીના તમામ દાવાઓ પોકળ સાબિત થયા, મહિલાઓ એક એક બેડા માટે વલખા મારે, વોર્ડ 4 અને 5ની મહિલાઓએ હંગામો મચાવ્યો
ઉનાળાની શરૂઆતમાં જ સિહોરની જનતા પાણી માટે રીતસર વલખા મારી રહી છે, વિકાસની પીપુડી વગાડતા નેતાઓના અત્યાર સુધીના તમામ દાવાઓ પોકળ સાબીત થયા છે. “દી” ઉગેને મહિલાઓના નગરપાલિકા ખાતે ટોળાઓ ઉમટી રહ્યા છે અને પાણીનો કકળાટ અને દેકારો યથાવત દેખાઈ રહ્યો છે. ઉનાળો પોતાના અસલ સ્વરૂપમાં આવતો જાય છે અને જેમ-જેમ ઉનાળો નજીક આવતો જાય તેમ-તેમ પાણીની જરૂરિયાત પણ વધતી જશે. આવા સંજોગોમાં સિહોરમાં પાણીના ધાંધિયા શરૂ થતાં નગરજનોમાં આ બાબતે કચવાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઉનાળાના પ્રારંભથી સિહોરમાં પાણીની સમસ્યા વિકટ અને વિકરાળ સમસ્યા ધારણ કરી રહી છે અને પાણી વગર નગરજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે હવે સિહોરની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે તેવો સવાલ જનતા પૂછી રહી છે. સિહોર શહેરના તમામ વિસ્તારોમાં હાલ પાણીની પારાયણ સર્જાય છે. અગાઉના સમયમાં પાણીની સમસ્યા હતી આમ છતાં પાંચ દિવસે-ત્યારબાદ આઠ દિવસે અને બાદમાં દસ દિવસે પીવાના પાણીનું વિતરણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હતું.
વર્ષો સુધી પાણીની સમસ્યાનો સામનો કરતી સિહોરની પ્રજા ચુંટણી સમયે નેતાઓના વાયદાઓ માં આવી જઈ મતદાન કરતી પરંતુ ચુંટણી પૂર્ણ થતા તું કોણ અને હું કોણ ની જેવી સ્થિતિ બની જતી. આજે સિહોરના વોર્ડ ૪/૫ ની મહિલાઓ નગરપાલિકા ખાતે દોડી જઈને પાણી આપો-પાણી આપો ની માંગ સાથે સુત્રોચ્ચાર કરી નગરપાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યું કે એક તો ૧૨/૧૫ દિવસે પાણી આવે અને એ પણ ડહોળું-વાસ મારતું અને જંતુ યુક્ત પાણી તેનો કેમ ઉપયોગ કરવો.-નગરપાલિકા તંત્રની અણાવડત ને કારણે સિહોરની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે.