Gujarat
અતિવૃષ્ટિને કારણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય
કુવાડિયા
હાલોલ નજીક ચંદ્રપુર ગામે એક ફેક્ટરીની દિવાલ ધસી પડતાં ચાર બાળકોનાં મોત નિપજયા છે. એ ઉપરાંત ભારે વરસાદને લીધે જામનગરમાં એક વ્યક્તિનું મોત થયું છે. મહુવામાં પણ એક દિકરી સાતમા માળેથી પડી જતાં તેનું પણ મોત થયું છે. એ સિવાય તાજા સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે તે અનુસાર ગઇકાલે રાત્રે મહારાષ્ટ્રમાં નાગપુર અને પુના વચ્ચે બુલઢાણા વિસ્તારમાં એક બસમાં આગ લાગી હતી અને તે દુર્ઘટના ગ્રસ્ત થઇ હતી જેમાં 25 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. મોરારીબાપુ દ્વારા ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે મૃત્યુ પામેલા બાળકો અને અન્ય લોકોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રની બસ દુર્ઘટનામાં પણ જેમના મૃત્યુ થયા છે તેમને પણ 15000 રૂપિયા લેખે સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓમાં મોરારીબાપુ દ્વારા કુલ મળીને રુપિયા ચાર લાખ પાંસઠ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. આ રાશિ વિવિધ સ્થળોએ રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. બીજી તરફ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. એવા સંજોગોમાં બાપુએ ગુજરાતના રામકથાના શ્રોતાઓને કોઇ પણ સ્થળે કોઈપણ પ્રકારની સહાય પહોંચાડવા તત્પર રહેવા અને તૈયાર રહેવા અનુરોધ પણ કર્યો છે.