Palitana
237 હેકટર જમીન મેળવી ભાવનગર એરપોર્ટના વિકાસનો માસ્ટર પ્લાન ; કનેક્ટીવીટી વધારવા પણ સાંસદના પ્રયાસો
મિલન કુવાડિયા
પાલિતાણાના હણોલ ગામ ખાતે હેલિકોપ્ટર ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે ; ભાવનગર એરપોર્ટના વિકાસ અને કનેક્ટીવીટી વધારવા એડવાઈઝ કમિટીની બેઠકમાં થઈ સક્રિય ચર્ચા
ભાવનગર એરોડ્રામ એડવાઇઝ કમિટીની તાજેતરમાં નવ રચના થઈ છે, જેની પ્રથમ બેઠક સાંસદ એવમ કમિટીના ચેરમેન ડો. ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને મળી ગઈ, બેઠકમાં ભાવનગર એરપોર્ટના વિકાસ અને ફલાઇટની કનેક્ટીવીટી વધારવા સક્રિય ચર્ચા વિચારણા થઈ હતી. ભાવનગર એરપોર્ટના વિસ્તરણ અને વિકાસ માટે લગભગ 237 એકર જમીનની માંગણી રાજય સરકાર પાસે કરાયેલી છે જે કાર્ય જલ્દીથી આગળ ધપે એ માટે ચર્ચા થયેલ જયારે એર કનેક્ટીવીટી વધારવા પ્રયાસો શરૂ હોવાનું સાંસદે જણાવેલ.
હાલ ભાવનગર પુના વચ્ચે ચાલતી ફ્લાઇટ રીઝનલ કનેક્ટીવીટી સ્કીમ તળે આવરી લેવાયેલ છે પરંતુ ભાવનગર મુંબઈની ફ્લાઇટને આરસીએસ તળે ચલાવાય તો યાત્રીઓને ફાયદો થઈ શકે છે. આથી આ માટે રાજય સરકારને વિનંતી કરી લાભ મળે તેવા પ્રયાસો કરવા સાંસદે ખાતરી આપેલ. ઉપરાંત દિલ્હી સુરતની ફલાઇટ માટે પણ સાંસદ પ્રયાસો કરી રહ્યા છે. શુક્રવારે એરોડ્રામ એડવાઈઝ કમિટીની બેઠકમાં ચેરમેન દ્વારા નિયુક્ત સભ્યો ગિરીશ રામૈયા (લીલાગ્રુપ), આનંદ ઠક્કર (ઇસ્કોન કલબ) ની ઉપસ્થિતિ રહેલ અને બેઠકની ચર્ચામાં ભાગ લીધેલ જ્યારે શ્રીમતી ભારતીબેન તંબોલીની પણ ચેરમેન દ્વારા આ કમિટીમાં નિમણુક થઈ છે.
સાંસદ ડો. ભારતીબેન શિયાળએ સૌરાષ્ટ્ર આસપાસ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ના વિકાસ માટે સૌ પ્રથમ જમીનની જરૂરિયાત પાયાની છે, આથી જમીન ઉપલબ્ધ થાય એ માટે પ્રયાસો શરૂ છે. જમીન મળ્યેથી રન-વે એક્સ્પાન થઈ શકશે તેમજ બિલ્ડીંગ પણ બાંધી શકાશે. ભાવનગર એરપોર્ટ પર આગામી દિવસોમાં પાયલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થવા જઇ રહ્યું છે, ભૂમિપૂજન કરી કામગીરી હાથ ધરી દેવાઈ છે. ઉપરાંત પાલિતાણાના હણોલ ગામ ખાતે હેલિકોપ્ટર ટ્રેનિંગ સેન્ટર પ્રાઇવેટ કંપની દ્વારા સરકારની સહાયથી બની રહ્યું છે, આ પ્રોજેકટ અંતર્ગત હેલિપેડનું નિર્માણ પણ થઈ ચૂક્યું હોવાનું સાંસદ ભારતીબેન એ ઉમેર્યું હતું. આમ, ભાવનગર એરપોર્ટના વિકાસ અને કનેક્ટીવીટી વધવાની સંભાવના વચ્ચે આગામી દિવસોમાં પાલિતાણામાં હેલિકોપ્ટર ટ્રેનિંગ સેન્ટર શરૂ થવાથી દેશના નકશામાં ભાવનગર ઉભરી આવશે.