Bhavnagar
ભાવનગરમાં મસમોટા પોલીસ કાફલાએ કલાકો સુધી જેલના કેદીઓ અને બેરેકોને ખંખોળી નાખી : કશું વાંધાજનક ન મળ્યું
કુવાડિયા
આઈજી એસપી ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ-એસઓજી સહિતનો કાફલો અચાનક જ જેલ ચેકિંગમાં ધસી જતાં કેદીઓમાં જબદરસ્ત ફફડાટ : જેલના દરેક ખૂણા તેમજ કેદીઓનું બારીકાઈથી કરાયેલું ચેકિંગ
સરકાર દ્વારા રાજ્યની દરેક જેલનું ‘સરપ્રાઈઝ ચેકિંગ’ કરવાનો આદેશ છૂટતાં જ ભાવનગર પોલીસ સજ્જ બની ગઈ હતી. આઈજી, એસપી, ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સહિતના મસમોટા પોલીસ કાફલાએ ચેકિંગ શરૂ કરી દીધું હતું. આ ચેકિંગ કલાકો સુધી ચાલ્યું હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે ત્યારે ભાવનગરની જેલમાંથી કશું જ વાંધાજનક નહીં મળ્યું હોવાનું પ્રાથમિક વિગતો મળી છે હવે પોલીસ સર્ચ ઓપરેશનનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરીને ગૃહ વિભાગને મોકલશે તેવી પણ વિગતો મળી રહી છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ચેકિંગનો મેસેજ મળ્યા બાદ તમામ સ્ટાફને તૈયાર થઈ જવા કહેવાયું હતું
અને અડધો કલાકની અંદર એક નિશ્ર્ચિત પોઈન્ટ પર સૌને એકઠા કરાયા હતા. મસમોટો સ્ટાફ એકઠો થતાંની સાથે જ વાહનોનો કાફલો જેલની અંદર પ્રવેશ્યો હતો અને વારાફરતી તમામ બેરેકનું ચેકિંગ શરૂ કર્યું હતું. પોલીસે કેદીઓ અને જેલમાં આવેલ બેરેકોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને પોલીસે સ્નીફર ડૉગની પણ મદદ લીધી હોવાનું પણ કહેવાય છે કેમ કે કોઈ કેદીએ ચરસ-ગાંજો-અફીણ કે ડ્રગ્સ છુપાવ્યું હોય તો તેને શોધી કાઢવાનું કામ આ ડોગ કરતો હોય છે. આ ઉપરાંત કેદીઓના ગાદલા-ગોદડા-ઓશીકાનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું તો બારી, બારણા તેમજ ટોયલેટ-બાથરૂમને પણ ચેક કરવામાં આવ્યા હતા. આ ચેકિંગ રાત્રે નવ વાગ્યે શરૂ થયા બાદ કલાકો સુધી આ ચેકીંગ ચાલ્યું હતું. જો કે કોઈ જ પ્રકારની વાંધાજનક વસ્તુ પોલીસ ચેકિંગમાં નહીં મળી હોવાનું જાણવા મળ્યું છે