Sihor
સિહોર સાથે ગુજરાતની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ગાંધી જયંતીથી હડતાલ પર

કમિશન વધારવાની માંગણી નહીં સંતોષાય તો વિતરણ ઘટને મજરે મળે તેવી વ્યવસ્થા ફરી ગોઠવવા અને ઘટ પેટે ૫૦ રૂપિયાની વસુલાતનો પણ વિરોધ
સિહોર સાથે રાજ્યભરમાં આવેલી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે કમિશન વધારવા સહિતની માંગણીઓ રજુ કરી રહ્યા છે પરંતુ સરકાર કોઇ હકારાત્મક ઉત્તર નહીં આપતા આગામી બીજી ઓક્ટોબરે ગાંધી જંયતીથી આ સંચાલકો હડતાલ ઉપર જવાની ચિમકી ઉચ્ચારી છે. સિહોર સહિત જિલ્લા અને રાજયની દુકાનોના સંચાલકો પણ જોડાશે. સરકાર દ્વારા રાહતદરે આપવામાં આવતા અનાજ અને કેરોસીન પુરુ પાડવાની જવાબદારી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનોના માથે રહેલી છે ત્યારે કોરોનાકાળ દરમ્યાન સેવાઓ પુરી પાડીને ૬૮થી વધુ સંચાલકો કોરોના સંક્રમિત થઇને મોતને ભેટયાં હતા ત્યારે ફેર પ્રાઇઝ શોપ ઓનર્સ એસો. દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે કે, હાલમાં રાજ્યની ૬૦ ટકા દુકાનો સાથે ૩૦૦થી ઓછા કાર્ડધારકો જોડાયેલા છે જેને મહત્તમ ૧૦ હજાર જેટલું સામાન્ય કમિશન મળે છે
આ રકમમાંથી સંચાલકે ઓપરેટરને મજુરી ખર્ચ, દુકાનભાડું, લાઇટબીલ સહિતનો ખર્ચ કરવો પડે છે જેથી લધુત્તમ વેતન વિથ ફિક્સ કમિશનની નીતિ લાવવા માટે માંગણી કરાઇ છે. તો તોલાટ અને ઓપરેટર માટે પણ રકમ મંજુર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. અગાઉ વિતરણ સમયે ઘઉ-ચોખા-ખાંડમાં ઘટ મજરે મળતી હતી નવેમ્બર ૨૦૧૮થી આ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે અને દર કિલોએ ૫૦ રૃપિયા વસુલવાનો પરિપત્ર પણ રદ કરવા માંગણી કરાઇ છે. કોરોના દરમ્યાન મૃત્યુ પામેલા સંચાલકોને ૨૫ લાખની સહાય ચુકવવા માટે પણ અગાઉ રજુઆત કરાઇ હતી. આ માંગણીઓ સત્વરે ઉકેલવામાં નહીં આવે તો આગામી બીજી ઓક્ટોબરને ગાંધીજયંતીથી સિહોર સહિત જિલ્લા અને સમગ્ર ગુજરાતના સંચાલકો હડતાલ ઉપર ઉતરી જશે