Sihor
આજે ઇદુલ અદહાની મેઘાવી ઉજવણી : કાલે શુક્રવારના લીધે મુસ્લિમોમાં બેવડો ઉત્સાહ

પવાર
- વર્ષો બાદ ‘ગુરૂવારે’ ઇદુલ અદહા આવી : આજે અને કાલે બે ‘ખુત્બા’નો લાભ : સર્વત્ર વ્હેલી સવારે જ ઇદની વિશેષ નમાઝ સંપન્ન : કેટલીક મસ્જીદોમાં બે તબકકે નમાઝ પઢાઇઃ શનિ-રવિના લીધે ૪ દિ’નો ધમધમાટ
સિહોરમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે ઇદુલ અઝહાની ઉજવણી પ્રસંગે સર્વત્ર નમાઝ પઢવામાં આવી હતી. આ પૈકી ગૌતમેંશ્વર રોડ ઉપર આવેલ પૌરાણિક ઇદગાહ ખાતે સવારના પ્હોરમાં હજારો મુસ્લિમ બિરાદરોએ ઉમટી પડી ઇદની વિશેષ નમાઝ પઢી હતી. આજે સવારે સિહોર સહિત જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદલ અદહા નો તહેવાર પરંપરા ગત રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી ધર્મનિતિ અનુસાર ત્રણ દિ’ રહેશે પરંતુ ગુરૂ-શુક્ર-શનિ પછી રવિવાર હોઇ આ વખતે આ ઇદનો ૪ દી’ સુધી ધમધમાટ રહેશે.
બીજી તરફ અગાઉના વરસાદી માહોલ બાદ હાલમાં ધુપછાંવનો માહોલ રહેલ હોય વરસાદની સંભાવના વચ્ચે સુકુ હવામાન રહેતા વિના વિધ્ને વહેલી સવારે તમામ મસ્જીદો અને ઇદગાહોમાં ઇદની વિશેષ નમાઝ સંપન્ન થઇ જતા સિહોર સહિત સર્વત્ર મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ છવાઇ ગયો છે. જો કે વર્ષો બાદ આજે ગુરૂવારના દિવસે ઇદુલ અદહા ઉજવાઇ છે અને આવતીકાલે શુક્રવાર હોઇ મુસ્લિમ સમાજમાં આ દિવસ સાપ્તાહીક ઇદનો ગણાતો હોઇ ઇદનો ઉત્સાહ બેવડાઇ જવા પામ્યો છે.
આજે પણ વિશેષ નમાઝ અને ખુત્બો (અરેબિક પઠન) રહેલ એજ રીતે આવતીકાલે પણ આ પ્રક્રિયા રહેનાર હોઇ મુસ્લિમ સમાજમાં ઇદુલ અદહાનો ઉત્સાહ ચોતરફ છવાઇ જવા પામ્યો છે. અને ભારે ધમધમાટ ઇદનો પ્રવર્તે છે. આ તહેવારના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદગાહો અને જુદી જુદી મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ એક-બીજાને ગળે લગાડી ઇદની મુબારક બાદી પાઠવવામાં આવી છે. ઇદ-ઉલ-અઝહાના તહેવાર નિમિતે પોતાના મરહુમ સ્વજનોની માટે દુઆ કરવા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઇ સ્વજનોની કબરને ફુલ ચડાવી ફાતીહા પઢયા હતાં. ઇદના પર્વે ગરીબ, અનાથ, વિધવાઓને રોકડ, અન્ય વસ્તુઓનું દાન તેમના ઇદીના હકદાર નાના બાળકોને ઇદીરૂપે રોકડ આપી પુણ્યનું ભાથું બાંધ્યુ હતું.