Sihor
મોત તારી નિષ્ફળતા ઘડીભર જોઇ લે, કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉ છું

મિલન કુવાડિયા
- સિહોરના લડાયક નેતા મુકેશ જાની હવે આપણી વચ્ચે નથી રહ્યા ; અચાનક જીવનદીપ ગયો
સમગ્ર સિહોરમાં શોકનો સાગર, શહેરે એક પ્રતિભાવંત નેતા ગુમાવ્યા, ઘેરા શોકની લાગણી, મોડી રાત્રે હાર્ડ એટેક આવ્યો, કમનસીબે સઘન સારવાર કારગત ન નિવડતા મુકેશ જાની ગણતરીની મિનિટોમાં અવસાન પામ્યા, લડાયક નેતા મુકેશ જાની જિંદગી સામેનો જંગ હારી ગયા, રાજનેતા સાથે એક સારા ગાયક પણ સિહોરે ગુમાવ્યા
આજના બુધવારના સૂરજે જાની પરિવાર અને કોંગ્રેસ પરિવાર માટે અત્યંત અમંગળ ઉગાળ્યો છે, સ્થાનિક નેતા મુકેશ જાનીનું અચાનક અવસાન થતાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્વર્ગસ્થ મુકેશ જાની ખૂબ માયાળુ, લાગણીશીલ અને પરોપકારી સ્વભાવના હતા. તેઓ રાજકારણની સાથે સંગીત સાથે ખૂબ રસ ધરાવતા હતા. તેઓ શ્રીજી ચરણમાં સમાય જતા જાની પરિવાર, કોંગ્રેસ પરિવાર તેમજ સગા સંબંધી મિત્ર વર્તુળ માટે દુઃખની અત્યંત કપરી વેળા આવી છે. મુકેશ જાની કાકાના નામથી જાણીતા હતા તેમની આ વસમી વિદાયથી કદી ન પૂરી શકાય તેવી ખોટ છે. સિહોર નહિ સમગ્ર તાલુકામાં લડાયક નેતા તરીકે જાણીતા કોંગ્રેસના નેતા અને નગરપાલિકાના નગરસેવક મુકેશભાઈ જાની જિંદગી સામે જંગ હારી ગયા છે.
મોડી રાત્રીના હાર્ડએટેક આવ્યો ટૂંકી બીમારી બાદ ગણતરીની મિનિટોમાં મુકેશભાઈ જાનીએ મોડી રાત્રીના ફાની દુનિયાને અલવિદા કહેતા સ્થાનિક રાજકારણ રાંક બન્યું છે. સ્થાનિક લડાયક નેતા તરીકે જાણીતા મુકેશભાઈ જાનીના નિધનના સમાચાર તેઓના ભત્રીજા ધીરજ મલ્હોત્રાએ વોટ્સએપના માધ્યમથી આપતા સિહોરભરમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો. ભાજપ કોંગ્રેસના નેતાઓ, સ્થાનિક અગ્રણી આગેવાનો, સંગીત પ્રેમી, અને બ્રહ્મસમાજે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી, આજે સવારે ૧૦ વાગે સિહોર સ્થિત તેમના નિવાસસ્થાને થી સ્મશાન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મુકેશ જાની સિહોરના સ્થાનિક રાજકારણમાં લડાયક અને કદાવર પાટીદાર નેતા ગણાતા હતા તેઓ વોર્ડ નં 4 વિસ્તારમાંથી ચાર ટર્મ સુધી ચૂંટાઈ આવ્યા આ દરમિયાન તેઓએ વિપક્ષ નેતાની ભૂમિકા બેખૂબી રીતે નિભાવી છે. મુકેશભાઈ પોતાનાં નામ પર જીતવા માટે સક્ષમ ગણાતા હતા. જીવનનાં છેલ્લા શ્વાસ સુધી તેઓએ સતત લોકો વચ્ચે રહી અને સેવારત રહ્યા હતાં. હંમેશા લોકોનાં પ્રશ્નો ઉઠાવી અને તંત્રનો કાન આમળતા હતાં.આવા સેવાભાવી અને સક્રિય સ્થાનિક નેતાના એકાએક અવસાનથી સમગ્ર સિહોરમાં ઉંડા દુઃખની લાગણી છવાઇ છે નગરપાલિકાની ટર્મ પણ પુરી થવાના આરે છે ત્યાં જિંદગીની ટર્મ પુરી થતા ઘેરો શોક વ્યાપ્યો છે