Bhavnagar
ભાવનગરમાં એલસીબીની ટીમે હાથીદાંતના જથ્થા સાથે એકને દબોચી લીધો, વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પવાર
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના રાંધનપુરી બજારમાં આવેલી એક દુકાન ધારકને પ્રતિબંધિત હાથીદાંતના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જે બાદ વન વિભાગને સોંપતા વન વિભાગે તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએથી મળતી વિગતો અનુસાર ગત 1 જૂનના રોજ ભાવનગર એલસીબી ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરની રાંધનપુરી બજારમાં ચુડી-બંગડી, ચૂડલા બનાવતાં એક શખ્સના કબ્જામાં હાથીદાંતનો મોટો જથ્થો રાખેલો છે જે હકીકત આધારે ટીમે દુકાને પહોંચી દુકાન ધારકનું નામ-સરનામું સાથે તેના કબ્જામાં રહેલા સર-સામાનની તલાશી હાથ ધરી હતી, જેમાં દુકાન ધારકે પોતાનું નામ રાજેન્દ્ર શરદચંદ્ર મણિયાર રે.ફુલસર વાળો હોવાનું જણાવેલ તથા આ શખ્સના કબ્જામાથી હાથીદાંતની બનાવટની ચૂડલી, બંગડી તથા હાથીદાંતને પીસીને બનાવેલ પાઉડર મળી આવ્યો હતો.
આ હાથીદાંતને રાખવા કે વેચાણ કરવા પર વન અધિનિયમ મુજબ પ્રતિબંધ હોય આથી પોલીસે તપાસ બાદ આ અંગે ભાવનગર વન વિભાગને જાણ કરતાં વન વિભાગે 6 કિલો 800 ગ્રામ હાથીદાંત તથા એક કિલ્લોથી વધુ હાથીદાંતનો પાઉડર કબ્જે કરી આરોપી રાજેન્દ્ર શરદચંદ્ર મણિયાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરફેઓ ડી.આર.સરવૈયાએ જણાવ્યું હતું કે, આ હાથીદાંતનો જથ્થો પ્રાથમિક દષ્ટિએ જૂનો જણાઈ રહ્યો છે અને વર્ષો પહેલા ઘરેણાં બનાવવામાં હાથીદાંતનો બહોળો ઉપયોગ થતો હતો, એ સિવાય આ હાથીદાંત આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ વપરાતો હતો, હાલ હાથીદાંત તથા પાઉડરનો જથ્થો FSLમાં તપાસ માટે મોકલી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાથીદાંતની કિંમત અંકાય તેમ નથી, આ શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.