Sihor
લાલબત્તી સમાન કિસ્સો ; સિહોરના સણોસરામાં બાળ લગ્ન બદલ છ સામે ફરિયાદ
પવાર
પિતા, પતિ સામે સમાજ સુરક્ષા વિભાગની કાર્યવાહી, બાળ લગ્ન અંગે 2 વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ રૂ.1 લાખ સુધીના દંડની જોગવાઈ
સિહોર પંથકમાં સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના સણોસરા ગામમાં ગત જાન્યુઆરી માસમાં સગીરવયની ક્ધયાના લગ્ન મામલે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ સગીરાના પિતા,તેના પતિ સહિતના છ ઈસમો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકમાં બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. સણોસરામાં રહેતી સગીરાએ પોતાની મરજી વિરુદ્ધ બાળ લગ્ન કરાવ્યા હોવાનું જણાવતા તંત્રએ જરૂરી તપાસ કરી સોનગઢ પોલીસ મથકમાં સગીરાના પતિ હાર્દિક, સાસુ અલ્પાબેન, સસરા હરગોવિંદભાઈ, જેઠ વિપુલ, રહે. તમામ સણોસરા તથા સગીરાના પિતા પંકજભાઈ અને અશોકભાઈ (રહે. બંને જુનાગઢ) એ એક સંપ કરી કન્યા સગીર વયની હોવાનું જાણવા છતાં ગત તા. 28/1/2023 ના રોજ હિંદુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ બાળ લગ્ન કરાવ્યા હતા. લગ્ન સમયે ક્ધયાની ઉંમર 17 વર્ષ 04 માસ હોવાનું જણાતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સોનગઢ પોલીસે બાળલગ્ન પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાળ લગ્ન કરવા કે કરાવવાએ કાયદાની વિરૂદ્ધ
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ જોઇએ તો સગીર વયના યુવક યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક યુવતી સહિત તેમના માતાપિતા કે, વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ/બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર 2 વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા 1 લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.
બાળ લગ્ન થતા અટકાવવા શું કરવું
સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર આપના સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે અથવા થાય છે. તેવી આપને જાણ મળે તો તે બાબતે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, અથવા ચાઈલ્ડ હેલ્પ લાઈન (1098) પર આપ લેખિત ટેલીફોનીક જાણ કરી શકો છો.