Bhavnagar
ફોટોગ્રાફી ક્ષેત્રે યાત્રા : ભાવનગરના તસવીર કલા ક્ષેત્રે અમૂલ પરમારે મેળવ્યો ગુજરાત ગૌરવ પુરસ્કાર

કુવાડિયા
આ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવતા ભાવનગરના પ્રથમ તસવીરકાર
ભાવનગરના બહુમુખી પ્રતિભા ધરાવતા તસવીરકાર અમૂલ પરમારે ગુજરાત ગૌરવ પુરસ્કાર 2016-17 મેળવી આ ક્ષેત્રમાં પણ ભાવેણાનું નામ રોશન કર્યું છે. જાણીતી સંસ્થા તાલ ગુલાલના સ્થાપક, બાસ્કેટબોલ અને હેન્ડબોલના ચુનંદા ખેલાડી અને 35 વર્ષ સુધી રમતના મેદાનમાં કૌશલ્ય બતાવી 14થી વધુ નેશનલ ગેઈમ રમી ચૂકેલ, આ મજાના માણસે રંગભૂમિ અને મેદાન ઉપરાંત 1986માં છબીકલા એટલે કે ફોટોગ્રાફી ક્ષેત્રે યાત્રા શરૂ કરી હતી. છેલ્લા 6 વર્ષથી ‘ગુડ મોર્નિંગ ભાવનગર’ સાથે માત્ર ભાવનગરવાસીઓ જ નહીં પરંતુ ગુજરાત અને દેશ- વિદેશના લોકોને દર્શનીય તસવીરો સાથે હકારાત્મક મેસેજ સાથે પોઝિટિવ ઉર્જા પૂરી પાડે છે.
શિક્ષક તરીકે સેવા બજાવી નિવૃત્ત થયેલ અમુલ પરમાર પોતાના પિતા અને ભાવનગરનું ગૌરવ એવા સ્વ. ખોડિદાસ પરમાર પાસેથી ચિત્રકલા શીખી તેમાં પણ ગુજરાત રાજ્ય લલિત કલાના બે એવોર્ડ મેળવી ચુક્યા છે. ફોટોગ્રાફીના 14 વન મેન શો, 11 ગૃપ શો, કેનેડા તેમજ મોરેશિયસમાં ફોટોગ્રાફી એક્ઝિબિશન તથા 2004 માં પ્લેનમાંથી ભાવનગર શહેરની કરેલી ફોટોગ્રાફી તેની કલાની ઊંચાઈ દર્શાવી જાય છે.